• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

માતાના મઢને અંબાજી જેવા કોરિડોર સાથે વિકસાવો

ભુજ, તા. 23 : ગુજરાત કે રાજ્ય બહારના મોટા-મોટા યાત્રાધામોનો વિકાસ કરી નવેસરથી કોરિડોર બનાવવામાં આવે છે અને દર્શન માટે આવતા યાત્રિકોની સુવિધા માટે સુચારુ વ્યવસ્થા જો કરવામાં આવતી હોય તો કચ્છના પુરાણપ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર, કચ્છની કુળદેવી આઈ આશાપુરાનાં સ્થાનક માતાના મઢમાં કોરિડોર બનાવીને શા માટે વિકાસ થતો નથી તેવો સવાલ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાની જ સરકારમાં ઉઠાવીને માતાના મઢના થોકબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા. શ્રી જાડેજાએ માતાના મઢ હોય કે નારાયણ સરોવરમાં આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવા છેક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વારંવાર પત્રો લખ્યા છે. જ્યારે સ્વ. વિજયભાઈ રૂપાણી હતા ત્યારે માતાના મઢના વિકાસ માટે પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ મારફતે રૂા. 35 કરોડ ફાળવવામાં આવ્યા હતા. વિકાસ થયો, પરંતુ યાત્રિકોનો જે રીતે ધસારો છે એ મુજબની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી તેનો તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.

વાત માતાના મઢની

તેમણે છેલ્લા ત્રણ વરસથી માતાના મઢનો ઈજનેરી કૌશલ્ય મુજબ વિકાસ થાય એ માટે રજૂઆતો કરી છે. તેમણે જણાવ્યું કે, મંદિર પરિસરની જગ્યા વધી ગઈ, પરંતુ પાર્કિંગ વ્યવસ્થા અત્યંત સાંકડી છે. જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મકાનો પાડીને અન્યત્ર જમીન ફાળવવામાં આવતી હોય તો મંદિરના નવા ગેટ પાસે કે આસપાસમાં ખાનગી કે અન્ય સંસ્થાઓને જમીન કેમ ફાળવી શકાય ? ખરેખર આસપાસ તો એક કિ.મી. વિસ્તાર ખુલ્લો રાખવો જોઈએ કેમ કે, ભવિષ્યમાં અત્યારની વ્યવસ્થા પણ ટૂંકી પડવાની છે.

અંબાજી જેવો કોરિડોર કરો

કોઈને ધંધા માટે કે ગેસ્ટ હાઉસ બનાવવા મંદિરની બાજુમાં સરકારી જમીન ફાળવવામાં આવી હોય તો તે રદ કરવા છેક પ્રધાનમંત્રી સુધી વાત પહોંચાડતાં વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ આવી જમીન ફાળવણી રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. ખરેખર આશાપુરા માતાજી મંદિર પરિસરને અંબાજીની જેમ વિકસાવી કોરિડોર બનાવવામાં આવે તો જ સાચો વિકાસ ગણાશે.

નારાયણ સરોવર

પ્રદ્યુમનસિંહે કહ્યું હતું કે, નારાયણ સરોવર અને કોટેશ્વરનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે-જ્યારે ના. સરોવર પ્રવાસી જાય છે ત્યારે ત્યાંની જર્જરિત હાલતથી  દુ:ખી થયા પછી  સોમનાથ, અંબાજી, વડનગર જેવા ધામ વિકસે એ સાચું છે, પરંતુ પુરાણ પ્રસિદ્ધ સ્થળ હોવાથી અહીં સરકાર કોરિડોર બનાવી યાત્રિકો માટે અન્ય સ્થળોની જેમ વિકાસ શા માટે ન થાય તેવો સવાલ કર્યો હતો.

અબડાસા પંથકના હિતમાં

અબડાસામાંથી સત્તાપક્ષ ભાજપમાંથી ચૂંટાઈને તેમણે ઘણી વખત સ્થાનિક નાગરિકોના પ્રશ્નો માટે સરકારનું પણ ધ્યાન દોર્યું છે. એટલું જ નહીં, ક્યાંક કોઈ કિસ્સામાં મોવડીઓની નારાજગી હોવા છતાં નાગરિકોના હિતમાં તેમણે રજૂઆત કરવાનું બંધ કર્યું નથી. ઊલટાનું ઠપકા ખાઈને પણ પોતાના મતવિસ્તારમાં વધુને વધુ વિકાસ થાય તેવો તેમનો પ્રયાસ છે એમ કહ્યું હતું.

પિંગલેશ્વર મંદિર

અબડાસાનું પિંગલેશ્વર મંદિર હોય કે  બીચ વિકસાવવાની વખતોવખત જાહેરાતો થઈ છે પરંતુ નક્કર કામ થતાં નથી. આ મુદ્દે પણ સરકારનું ધ્યાન દોર્યું છે ને  ખરેખર જાહેરાતો નહીં કામો થવા જોઈએ એવું શ્રી જાડેજાએ કહ્યું હતું.

Panchang

dd