ભુજ, તા. 23 : આધારકાર્ડમાં નામની ગોઠવણીના
નિયમથી સમગ્ર કચ્છના અરજદારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રની વિવિધ શાખાઓમાં
સિસ્ટમના અભાવથી લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. વહીવટી
વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક
અને સરળ બનાવવા માટે સમયાંતરે નવા નિયમો અને સુધારાઓ કરવામાં આવે છે, જે સારી બાબત છે, પણ એ સાથે જોડાયેલી તમામ સરકારી કચેરીઓ,
ઓનલાઈન સિસ્ટમો અને જરૂરી દસ્તાવેજોની વ્યવસ્થા પણ સંપૂર્ણપણે તૈયાર
હોવી જરૂરી છે. હાલમાં આધારકાર્ડમાં નામની ગોઠવણીને લઈને નવા નિયમના અમલની પ્રક્રિયામાં
સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આધારકાર્ડમાં
પ્રથમ વ્યક્તિનું નામ, ત્યારબાદ પિતાનું નામ અને અંતે અટક હોવી
જોઈએ. અગાઉ ઘણા લોકોના દસ્તાવેજોમાં નામની ગોઠવણી અલગ રીતે કરાઇ હતી. હવે આ ફેરફાર
કરાવવા માટે આધાર કેન્દ્રમાં જતાં જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાનું કહે છે, જે રજૂ કરતાં એવું જણાવાય છે કે, બાળકનું સંપૂર્ણ નામ
હોવું જોઈએ. એ જ રીતે માતા અને પિતાના નામની વિગતો પણ સંપૂર્ણ રીતે ક્યુઆર કોડવાળાં
નવાં જન્મ પ્રમાણપત્રનો પણ આગ્રહ કરાય છે. અહીંથી સામાન્ય નાગરિકની મુશ્કેલી શરૂ થાય
છે. કચ્છમાં અનેક કચેરીઓમાં જન્મ પ્રમાણપત્રની નવી કોમ્પ્યુટરાઈઝ્ડ અથવા ક્યુઆર કોડવાળી
વ્યવસ્થા શરૂ થઈ નથી, જેથી અરજદાર ધક્કા જ કચેરીના ખાતો રહે છે.
ખાસ કરીને ગામડાંઓમાં જન્મેલાં બાળકોના દસ્તાવેજો, જૂના જન્મ
પ્રમાણપત્રો અને સ્થાનિક કચેરીઓની ડિજિટલ વ્યવસ્થા વચ્ચે સુસંગતતા ન હોય ત્યારે મુશ્કેલી
અનેકગણી વધી જાય છે. વળી અરજદાર સવાલ પૂછે તો જવાબદારો કહે છે, આ બધું ઓનલાઇન છે, અમારા હાથમાં કંઇ જ નથી. જો સિસ્ટમમાં
અપડેટ બાકી હોય, તો ત્યાં સુધી જૂના માન્ય દસ્તાવેજના આધારે નાગરિકને
વૈકલ્પિક સુવિધા આપવી જોઈએ. આ બાબતે સાંસદ, ધારાસભ્ય તથા નગરસેવકો
સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકમાંગ ઊઠી છે.