માધાપર, તા. 28 : સાધુનું કામ વ્યક્તિની અંદર
રહેલા પરમતત્ત્વને જગાડવાનું છે. સાધુ એ ઈશ્વરનો મેળાપ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે.
સાધુ એ એવું દર્પણ છે કે, જેમાં તમારું
મુખ જોશો તો તમારું જીવન ધન્ય બની જશે. માધાપર ખાતે ચાલતી માનસ મુકુરાષ્ટક કથાના આઠમા
દિવસે પ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુએ સાધુને કરુણાસાગરની ઉપમા આપી હતી. પૂ.
બાપુએ કચ્છની ભૂમિને આધ્યાત્મિકતાનો મહાસાગર ગણાવી હતી. ત્રિભુવન પ્લોટ ખાતે આયોજિત
માનસ મુકુરાષ્ટક કથામાં પૂ. મોરારિબાપુએ પ્રભુના સાક્ષાત્કારનો મહિમા વર્ણવા સાથે સ્થુળતા
અને સૂક્ષ્મતાની દૃષ્ટાંત સાથેની સમજ ઉપસ્થિત કથાશ્રાવકોને આપી હતી. મોરારિબાપુએ પોતાની
લાક્ષણિક છટામાં હનુમાન ચાલીસાના પાઠથી કથાના આઠમા દિવસનો પ્રારંભ કરાવ્યા બાદ જયશ્રી
રામ, જય સીયારામ, જીનામનો જયઘોષ બોલાવ્યો
હતો. કચ્છની આધ્યાત્મિક ભૂમિને પ્રણામ કરતાં મોરારિબાપુએ જણાવ્યું કે, આ ભૂમિમાં જેટલું આધ્યાત્મિક ફળ મળ્યું છે તેટલું દેશમાં અન્યત્ર કયાંય મળ્યું
નથી. ઈશ્વરની સૃષ્ટિ એવી છે કે, સ્થુળમાંથી સૂક્ષ્મ તરફ લઈ જાય
છે. અશોકવાટિકામાં હનુમાનજી સીતાને સોનાંની મુદ્રિકા આપે છે, તે સ્થુળ છે, તેમાં રહેલો શ્રીરામ શબ્દ સૂક્ષ્મ છે,
તેની સદૃષ્ટાંત સમજ આપી મોરારિબાપુએ વસ્તુમાં રહેલી સ્થુળતા દેખાય છે,
પણ સૂક્ષ્મતા કદી દેખાતી નથી. પૂ. બાપુએ ધર્મનો મહિમા વર્ણવતાં કહ્યું
કે, ધર્મના મૂળ ઊંડા હોવાના લીધે સનાતની ધર્મ વ્યવસ્થા ટકી રહી
છે. સાધુને સમાજનું દર્પણ ગણાવી સાધુત્વને વૈદત્વનો વિશ્રામ કહેતાં પ્રભુ શ્રી રામે
પણ હનુમાનજીના સંદર્ભમાં એમ કહ્યું હતું કે, આ વાનરની રૂંવાટીના
ઋણમાંથી હું કયારે મુક્ત નહીં થઈ શકું. સંતો-સાધુ અને ગુરુની કૃપાથી તમારા મનનો અરીસો
સ્વચ્છ બને છે, તેમ કહી પ્રભુનું શરણું વ્યક્તિને અભયપદ આપે છે.
મોરારિબાપુએ કથાના આઠમા દિવસે રામાયણના વિવિધ પ્રસંગોનું ભાવવાહી વર્ણન કરી કથામંડપમાં
ધર્મમય માહોલ સર્જ્યો હતો. ગુરુના વચનને પાળવું એ સાચી સેવા છે તેમ કહી પૂ. બાપુએ ઐસી
લાગી લગન મીરાં હો ગઈ મગન ગાઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સીતા સ્વયંવરની કથા
કહી મોરારિબાપુએ પ્રભુ શ્રીરામ અને વિશ્વામિત્રના સંવાદને કથામૃત દરમિયાન ભાવવાહી રીતે
રજૂ કર્યો હતો. પ્રભુ શ્રીરામના શરણમાં આવે છે તેને શરણાગતિ મળે છે તેમ જણાવી કથા મંડપમાં
જય સીયારામ જય શ્રી રામનો જયઘોષ બોલાવ્યો હતો. કથા દરમિયાન મોરારિબાપુએ માધાપરના સેવાભાવી આગેવાન વી.કે. પટેલને યાદ કર્યા હતા. આ
પરિવારના સેવાભાવને તેમણે બિરદાવ્યો હતો. કથાશ્રવણ કરવા માટે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર
શાહબુદ્દીન રાઠોડ, અરજણ ભુડિયા, રમેશ વોરા,
રામજી સેંઘાણી, લક્ષ્મણ રાઘવાણી, ગોપાલ વેકરિયા, સ્વામી પ્રદીપ્તાનંદજી, હંસાબેન હરશિયાણી, ભરત દાદા, અનિલભાઈ
વેલજીભાઈ ગજ્જર હાજર રહ્યા હતા. ભાવિકો માટે
મહાપ્રસાદમાં બાગ કેટરર્સના રાજેશ નાગુ, દીપક મોતા વિવિધ વ્યંજનો
તૈયાર કરે છે. વીએચપીના કાર્યકારો રસોડા મંડની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. યોગેશ વેલજીભાઈ
ગજ્જર, ભાવેશ ઠક્કર, હિતેશ સોની,
અશોક જાટિયા, વીનેશ સાધુ સહિત જહેમત ઉઠાવી રહ્યા
છે.