• રવિવાર, 29 માર્ચ, 2026

બાપુની મુલાકાત વેળાએ ધાર્મિક સ્થાને સર્જાયો જ્ઞાન અને ભક્તિનો સંગમ

ભુજ, તા. 28 : રામનવમીના અવસર પર માધાપર, ભુજ સ્થિત આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે ભાવુક આધ્યાત્મિક મિલન જોવા મળ્યું હતું. રામકથાકાર મોરારિબાપુએ   કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત માત્ર એક શિષ્ટાચાર ન બની રહેતાં જ્ઞાન અને ભક્તિના સંગમ સમાન થઈ હતી. રામકથાના મર્મી સંત પધાર્યા ત્યારે આશ્રમનું વાતાવરણ ચૈતન્યવંત બની ગયું હતું. આ પ્રસંગે આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ બાપુનું અભિવાદન કર્યું હતું.  ભૂતકાળનાં સ્મરણો વાગોળતાં સ્વામીજીએ વાત કરી કે, તેઓ  40 વર્ષ પહેલાં મોરારિબાપુની સાંભળેલી રામકથાનું પાકેલું ફળ છે. તેમણે જણાવ્યું કે, દાયકાઓ પૂર્વે બાપુની વાણીમાં વહેતી રામકથાના શ્રવણથી જ તેમના જીવનમાં વૈરાગ્ય અને અધ્યાત્મના બીજ રોપાયા હતા. એક યુવાન શ્રોતા તરીકે કથા સાંભળ્યા બાદ તેમની જીવનયાત્રા બદલાઈ હતી.મોરારિબાપુએ પણ સ્વામીજીના ઉદ્ગારોને વધાવ્યા હતા અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ચાલતી શાત્રીય શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓની  પ્રશંસા કરી હતી. બંને મહાનુભાવ વચ્ચે થયેલી ગહન આધ્યાત્મિક ચર્ચાઓએ ઉપસ્થિત મુમુક્ષુઓને નવી દૃષ્ટિ આપી હતી.  આશ્રમના સાધકોએ બાપુના આશિષ મેળવ્યા હતા. સ્વામી પ્રદીપ્તાનંદજીએ મોરારિબાપુને આર્ષ અધ્યયન કેન્દ્રની પ્રવૃત્તિઓથી અવગત કર્યા હતા. આ પ્રસંગે મોરારિબાપુનું દક્ષિણામૂર્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા, ગુલાબભાઇ ગજ્જર અને વેલજીભાઇ આહીરે અભિવાદન કર્યું હતું. ગણેશનગરના સીતારામ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd