ભુજ, તા. 28 : અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
અને પશ્ચિમી વિક્ષોભની અસર તળે કચ્છ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી હવામાન
વિભાગે કરી છે. હવામાન વિભાગે રવિ અને સોમ બે દિવસ માવઠું વરસવાની સંભાવના વ્યક્ત કરતાં
ખેડૂતોના શ્વાસ અદ્ધર થયા છે. વળી, આ માવઠાંની મોકાણ પીછો છોડવાની ન હોય તેમ 31 માર્ચ અને પહેલી એપ્રિલના મામૂલી
રાહત બાદ ફરી બીજી અને ત્રીજી એપ્રિલે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરી
છે. સાથે કમોસમી વરસાદની 30થી 40 કિ.મી.ની ઝડપે પવન અને વીજળીના કડાકા-ભડાકા થવાની સંભાવનાનાં
પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. દરમ્યાન, આજે સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં પવનની
ઝડપમાં વધારો જોવા મળ્યો હતો. સરેરાશ 12થી 20 કિ.મી.ની
ઝડપે પવન ફૂંકાયો હતો. ભુજ, કંડલા પોર્ટ
અને નલિયામાં મહત્તમ પારો ઘટયો હતો. જો કે, અંજાર-ગાંધીધામને
આવરી લેતા કંડલા (એ.) ક્ષેત્રમાં 38.4 ડિગ્રીએ મહત્તમ પારો પહોંચતાં આ વિસ્તાર રાજ્યનું મોખરાનું ગરમ
મથક બન્યો હતો. જિલ્લામાં એકંદરે તાપમાં થોડી રાહત જોવા મળી, પણ ઉકળાટ યથાવત્ રહ્યો હતો.