• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ઠારની ધાર બની તીક્ષ્ણ : નલિયા સાત ડિગ્રી

ભુજ, તા. 5 : કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. પવનની પાંખે ઠારની ધાર તીક્ષ્ણ બનતાં જનજીવન ઠંડીના અસલ ચમકારામાં ઠૂંઠવાઇ રહ્યું છે. નલિયામાં પારો ફરી એક ડિગ્રી ગગડીને સાત ડિગ્રીએ પહોંચ્યો હતો. નલિયાએ સતત ચોથે દિવસે રાજ્યના ઠંડા મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. હવામાન વિભાગે ઠંડીમાં વધઘટનો દોર જારી રહેવાની આગાહી કરી છે. અંજાર-ગાંધીધામમાં લઘુતમ પારો સતત ત્રીજા દિવસે 9.4 ડિગ્રીના એકલ આંકમાં અટકેલો રહ્યો હતો. રાજ્યમાં નલિયા બાદ સર્વાધિક ઠંડી અહીં અનુભવાતાં લોકોને ગરમ કપડાંમાં સજ્જ થઇ ઘરથી બહાર નીકળવાની ફરજ પડી હતી. જિલ્લા મથક ભુજમાં પણ તાપમાન સહેજ નીચે ઊતરીને 11 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉત્તર દિશાએથી ફૂંકાયેલા પવનના લીધે ઠારનો પ્રભાવ વધુ જોવા મળતાં વિશેષ રીતે સવાર-સાંજ ઠંડીનો ચમકારો વધુ અનુભવાયો હતો. જિલ્લામાં મહત્તમ તાપમાન પણ 26થી 28 ડિગ્રી વચ્ચે રહેતાં દિવસના ભાગે ખુશનુમા વાતાવરણ અનુભવાયું હતું. સરેરાશ ચારથી આઠ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં વાતાવરણમાં વિષમતા લગભગ સમાન જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને નકારી છે. એ બાદ લઘુતમ તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં રાહત મળી શકે છે. નવા વર્ષના આરંભે માવઠાંનાં સંકટ બાદ ઠંડીએ પોતાનો અસલ મિજાજ દેખાડવાનું શરૂ કરતાં હવામાન નિષ્ણાતોના અનુમાન અનુસાર ડિસેમ્બરની તુલનાએ જાન્યુઆરીમાં વધુ ઠંડી અનુભવાઇ શકે છે. દયાપરના અહેવાલ અનુસાર આ સરહદી તાલુકામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પ્રભાવ વધતાં તેની જનજીવન પર સ્પષ્ટ અસર વર્તાઇ રહી છે.

Panchang

dd