નલિયા, તા. 5 : ગુજરાત
રાજ્યના દરિયાઈ વિસ્તારોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા
ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. એડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી પી.એલ. માલ અને
એસ.પી. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ જખૌ સેક્ટરના ડીવાયએસપી આર.એમ. ચૌધરીના
નેતૃત્વમાં મરીન કમાન્ડો દ્વારા સાંઘી વિસ્તારમાં સઘન ચાકિંગ હાથ ધરાયું હતું.
સોમવારે યોજાયેલી આ ઝુંબેશમાં જેટી, ગ્રામ્ય વિસ્તારો અને
શંકાસ્પદ બોટોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પેટ્રાલિંગ દરમિયાન
મરીન ટાસ્ક ફોર્સની ટીમે સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક કરી ડ્રગ્સની હેરાફેરી અને
અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ રોકવા માટે તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી. દરિયાઈ
સરહદની સુરક્ષા કાજે શંકાસ્પદ હિલચાલ જણાયે તાત્કાલિક જાણ કરવા પણ સૂચના આપવામાં
આવી હતી.