ભુજ, તા. 5 : છેલ્લા
કેટલાક દિવસોથી વધતી જતી ઠંડી વચ્ચે કચ્છમાં આજે મોડી સાંજે ભૂકપંના એકથી વધુ
આંચકા આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, સિસ્મોલોજી કચેરીમાં આંચકાની સત્તાવાર નોંધ
થઇ નહોતી. મળતી વિગતો મુજબ આજે રાત્રિના 8થી 8.45 વાગ્યાના
અરસામાં આ ભૂસ્તરીય હિલચાલ સર્જાઈ હતી. ઉપરાઉપરી ચારેક જેટલા ભૂકંપના આંચકા
અનુભવાયા હતા. કડકડતી ઠંડી વચ્ચે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. બારીઓ અને વાસણો ખખડયા
હતા. ભુજ, અંજાર,
ગાંધીધામ, આદિપુર, ભચાઉ,
મુંદરા સહિતના વિસ્તારમાં ગેબી અવાજ સાથેનાં કંપનની અસર અનુભવાઈ
હોવાના અહેવાલો સાંપડયા હતા. લોકોએ એકબીજાને ફોન કરીને ઘટના અંગે માહિતી
મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે, સરકારી તંત્રમાં આ ભૂસ્તરીય હિલચાલ અંગે કોઈ નોંધ થઈ ન હતી. ગાંધીધામ
સ્થિત સિસ્મોલોજી કચેરીમાં આ સમયગાળામાં કોઇ સૂક્ષ્મ કંપનની પણ નોંધ થઇ નહોતી.
કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગના ડો. ગૌરવ ચૌહાણે કહ્યું કે, આ કોઇ ભૂસ્તરીય ગતિવિધિ હોય તેવું જણાતું નથી. સંભવત: કોઇ માનવસર્જિત
ગતિવિધિનાં કારણે આ હિલચાલ સર્જાઇ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે નોર્થ વાગડ ફોલ્ટમાં બે દિવસમાં 24 કંપન
અનુભવાયા હતા.