• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં પીવાનાં પાણીના 10થી વધુ નમૂના ફેલ

ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોના અંદાજિત પાંચ લાખ લોકોને ફિલ્ટર વગરનું પીવાનું પાણી આપવામાં આવે છે. જે હવે પીવાલાયક નથી. જોડિયા શહેરોના અલગ-અલગ વિસ્તારોમાંથી પીવાના પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા હતા, જેમાંથી 10થી વધુ નમૂના ફેલ આવ્યા છે અને તેમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવા બેક્ટેરિયા જોવા મળ્યા છે. લોકોનાં સ્વાસ્થ્ય ઉપર ગંભીર પ્રશ્નો ઊભો થયો છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાંથી એક મહિનામાં ટાઈફાઇડના 70થી વધુ કેસ સામે આવ્યા છે. જેના પગલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

ફિલ્ટર પ્લાન્ટ બંધ અવસ્થામાં

મહાનગરપાલિકા હસ્તકનો ફિલ્ટર પ્લાન્ટ બંધ અવસ્થામાં છે, તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની જીયુડીસી દ્વારા બનાવવામાં આવી રહેલા પ્લાન્ટનું કામ પૂર્ણ થયું નથી. તેને લગભગ છ મહિનાથી વધુનો સમય લાગી શકે તેવી સ્થિતિ છે. જૂના ફિલ્ટર પ્લાન્ટમાં મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચ કરી શકે તેવી તે પ્લાન્ટની સ્થિતિ નથી. નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવો અત્યંત જરૂરી છે. હાલના સમયે ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોના લોકોને ફિલ્ટર વગરનું પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં લીકેજો છે.  અધૂરામાં બાકી હોય તેમ પીજીવીસીએલ અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પાણીની લાઈનો તોડી રહ્યા છે. પરિણામ સ્વરૂપે લોકોના ઘરના નળમાં દૂષિત જળ પહોંચે છે, જે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો ઊભો કરે છે. તત્કાલીન સમયની નગરપાલિકા વખતથી ફિલ્ટર પ્લાન્ટ બંધ અવસ્થામાં છે. એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છતાં સરકારમાંથી ગ્રાન્ટ માગીને નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની દિશામાં કોઈ પગલાં ભરાયાં નથી અને જૂના ફિલ્ટર પ્લાન્ટની મરંમત માટેની પણ કોઈ કામગીરી થઈ નથી, ફિલ્ટર પ્લાન્ટ ફેલ છે નવો બનાવવો અતિ આવશ્યક હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

વહીવટી તંત્રો હરકતમાં આવ્યા

ગાંધીધામમાં બહુ લાંબા સમયથી પીવાનું પાણી દૂષિત મળતું હોવાની વ્યાપક ફરિયાદો છે. નગરપાલિકા સમયે સમસ્યા ઘણી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ પાણીની લાઈનોમાં રહેલા દૂર કરવા માટે તંત્ર સક્રિય છે. ખાસ કરીને ઈંદોરની ઘટના પછી વહીવટી તંત્રો હરકતમાં આવ્યા છે અને પીવાના પાણીની લાઈનોમાં રહેલા લીકેજોને દૂર કરવા માટે સક્રિયતા દાખવી છે તો બીજી તરફ ગાંધીધામના ભારતનગર, સપનાનગર, અપનાનગર, ઉપરાંતના અનેક વિસ્તારોમાંથી અને આદિપુરના અલગ-અલગ વિસ્તારોમાં અને ગ્રામીણમાં વિતરણ થતા પાણીના 20થી વધુ નમૂના લઈને તેનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે, જેમાં 10થી વધુ નમૂના ફેલ આવતા આરોગ્ય, પાણી સહિતના વિભાગો અને ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. જે નમૂના ફેલાવ્યા છે, તેમાં પાણીજન્ય રોગચાળો થાય તેવા બેક્ટેરિયા જોવા મળ્યા છે. જે એક ચિંતાનો વિષય છે, તો બીજી તરફ એક મહિનામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાંથી 70થી વધુ ટાઈફોઇડના કેસ સામે આવ્યા છે. જેને લઈને જ હવે મનોમંથન થઈ રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારમાં પણ પાણી પીવાલાયક નથી

ગ્રામીણ વિસ્તારમાં શિણાય, પડાણા, કિડાણા, ખારીરોહર સહિતના વિસ્તારોમાંથી પણ પીવાના પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા નમૂનાઓ ફેલ આવ્યાં છે. પાણીજન્ય રોગચાળાના બેક્ટેરિયા જોવા મળ્યા છે. લોકોના સ્વાસ્થ્ય જોખમાય તેવું છે. આખી વિતરણ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત છે. ફિલ્ટર સાથે ક્લોરીનયુક્ત પાણી લોકો મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવાની તાતી જરૂરિયાત છે અને તે દિશામાં તંત્ર પગલાં ભરે તેવી માંગ પણ ઊઠી છે.

હોસ્પિટલોને તુરંત રિપોર્ટ કરવા તાકીદ

એક મહિનામાં 70 ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે અને પાણીના નમૂનાઓ પણ ફેલ આવ્યા છે, આવી સ્થિતિમાં સરકારી રામબાગ હોસ્પિટલ તેમજ અન્ય સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં જો ટાઇફોઇડ અથવા તો અન્ય કોઈ ગંભીર પાણીજન્ય રોગના દર્દીઓ આવે તો તુરંત આરોગ્ય વિભાગને અને મહાનગરપાલિકાને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે, તમામ સંસ્થાઓને તાકીદ કરાઇ છે.

કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ

ગાંધીધામમાં પીજીવીસીએલ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો રોડની તેમજ નાળાં બનાવવાની કામગીરીમાં પીવાનાં પાણીની અને ગટરની લાઈનો તોડી રહ્યા છે. ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં મિશ્રિત થાય છે, તે લોકોના ઘરના નળમાં પહોંચે છે. જેના પગલે જ રોગચાળાનો ખતરો ઊભો થયો છે. વારંવાર પીવાના પાણીની લાઈનો તોડનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર વામણું પૂરવાર થઈ રહ્યું છે, જેના  કારણે સમસ્યાઓ વધી રહી છે.

Panchang

dd