ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે
સાંસદની અધ્યક્ષતામાં યોજાયું સંવાદસત્ર : વિવિધ ક્ષેત્રના પ્રશ્નોનીકરાઈ રજૂઆત :
ચેમ્બર દ્વારા આવેદનપત્ર પાઠવાશે
ગાંધીધામ, તા. 5 : બજેટ-
2026 અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સાંસદોને
તેમના વિસ્તારના વ્યાપાર, ઉદ્યોગ અને ટ્રેડ ક્ષેત્ર સાથે સીધો સંવાદ કરીને જમીની સ્તરની
સમસ્યાઓ અને વ્યવહારુ સૂચનો એકત્ર કરવાની
સૂચના અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ
ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છના વ્યાપાર-ઉદ્યોગના વિવિધ મુદ્દા અંગે સંવાદ
કાર્યક્રમ યોજાયો હતો.
ચેમ્બરના પ્રશ્નો વડાપ્રધાન અને
મંત્રાલય સમક્ષ મુકાશે
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી
બોલતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્પષ્ટ દૃષ્ટિ
છે કે, બજેટ ઘડતી વખતે વાસ્તવિક જરૂરિયાતો અને
સમસ્યાઓનો સમાવેશ થવો જોઈએ, જેના પગલે તમામ સાંસદોને પોતાના
વિસ્તારમાં ઉદ્યોગ અને વ્યાવસાયિક વર્ગ પાસેથી સૂચનો મેળવી તેનો સૂચારુ અને યોગ્ય અમલ થાય તે દિશામાં કાર્ય હાથ ધરાયું છે. ચેમ્બર દ્વારા સક્રિય
સંગઠનના માધ્યમથી મળતી માંગ અને સૂચનોને જવાબદારીપૂર્વક વડાપ્રધાન અને સંબંધિત
મંત્રાલય સમક્ષ રજૂ કરશે, તેવું તેમણે ઉમેર્યું હતું.
સંવાદ થકી ઉદ્યોગોના પ્રશ્નોનું
નિરાકરણ આવશે
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરીએ આગામી બજેટ માટે કચ્છના હિતમાં જરૂરી અને વાસ્તવિક સૂચનો રજૂ કરવાની
ઉત્તમ તક મળી છે. આવા સંવાદ સત્રો થકી સ્થાનિક ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ ઉકેલ નીતિ
સ્તરે લાવી શકાશે.
સંવાદ થકી પ્રશ્નો સંસદ સુધી
પહોંચશે
બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ
તેજાભાઈ કાનગડે સ્વાગત ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, બજેટ અંતર્ગત કચ્છ
વિસ્તાર અને સમગ્ર પ્રદેશના વ્યાવસાયિક સમુદાયના વિકાસ માટે અપેક્ષાઓ અને
સમસ્યાઓને દેશની સાંસદમાં અસરકારક રીતે પહોંચાડવા માટે આ સંવાદ સત્ર આ આદર્શ
માધ્યમ સાબિત થશે.
એક્સપોર્ટ મેનિફેસ્ટો સરળ બનાવો
ટિમ્બર એસોસીએશનના પ્રમુખ અને
ચેમ્બરના કારોબારી સભ્ય નવનીત ગજ્જરે ટિમ્બરમાં જી.એસ.ટી. દર 18 ટકાથી
પાંચ ટકા કરવામાં, આદિલ શેઠનાએ ઓસ્ટેલિયા જેવા દેશો સાથે ગ્લોબલ માર્કેટની સ્પર્ધામાં ટકી
રહેવા માટે એક્સપોર્ટ મેનિફેસ્ટો સરળ બનાવવા, લોજિસ્ટિક ખર્ચ
ઘટાડવા, ઘટાડવા અને ભાવ ઘટાડા સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા
હતા.
જી.એસ.ટી. માળખાંમાં સુધારો
જરૂરી
ગ્યાનચંદ સિંધવીએ જીએસટી
માળખાંમાં વ્યાપક સુધારાની જરૂરિયાત દર્શાવતાં સેન્ટ્રલ અને સ્ટેટ કમિશનર વચ્ચે
સંયુક્ત બેઠક યોજવાની માંગ સાથે લાંબા સમયથી પડતર ટ્રિબ્યુનલ કેસોના ઝડપી નિકાલ
અંગે સાંસદનું ધ્યાન દોર્યું હતું. કારોબારી સભ્ય અનિમેષ મોદીએ નાના અને મધ્યમ
વેપારીઓ માટે જી.એસ.ટી. 2017માં નિર્ધારીત 20 લાખની મર્યાદા
આજના સમય પ્રમાણે અસંગત બની ગઈ હોવાનું જણાવી તેમાં યોગ્ય સુધારા કરવાની રજૂઆત કરી
હતી.
ઉદ્યોગકારોએ રજૂ કરેલા વિવિધ
પ્રશ્નો
આ ઉપરાંત બેઠકમાં બેંક લોન
પ્રક્રિયામાં સરળતા, એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને સ્પર્શતા
ફાઈનાન્સિંગ, ક્રેડિટ અને પાલન સંબંધિત પ્રશ્નો, મીઠા ઉદ્યોગ, લોજિસ્ટિક અને પોર્ટ આધારીત ઉદ્યોગ
સહિતના ક્ષેત્રો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ શ્રી ચાવડાએ તમામ પ્રશ્નો અને સૂચનો અંગે યોગ્ય અને સમયસર
રજૂઆત કરવાની વાત કરી હતી. સંચાલન કરતા ખજાનચી કૈલેશ ગોરે આયોજનના ઉદેશ સહિતના ઉપર
પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમમાં ચેમ્બરના જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય,
ચેમ્બરના ઉપપ્રમુખ દીપકભાઈ પારેખ, પૂર્વ
પ્રમુખ મહેશભાઈ પુજ, ચેમ્બરના કારોબારી સભ્ય પારસમલ નાહટા,
હેમચંદ્ર યાદવ, શરદ શેટ્ટી, રાજીવ ચાવલા, દીપક બજાજ, કે.એમ.
ઠક્કર, કમલેશ પરિયાણી, સી.એ. એસો.ના પ્રમુખ
મહેશ લીંબાણી તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કચ્છના સર્વાંગી વિકાસ
માટે સંકલન, સમન્વય
ઉપર ભાર મુકાયો
ગાંધીધામ, તા. 5 : સંવાદ
સત્રમાં ટ્રેડના મુદ્દાઓ સુધી ચર્ચા સીમિત ન રાખતાં સમગ્ર કચ્છના વ્યાપાર ઉદ્યોગના
સર્વાંગી વિકાસ માટે સંકલન અને સમન્વયની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો
હતો. ચેમ્બર, વિવિધ એસોસીએશન, વ્યાપાર સંગઠનો, બાંકિંગ સેક્ટર અને સરકારી તંત્ર વચ્ચે મજબૂત સંકલન ઊભું થાય તો નીતિગત લાભો ઝડપથી જમીન રસ્તરે
અમલમાં આવી શકે તેમ વક્તાઓએ જણાવ્યું હતું. ખાસ કરીને પોર્ટ આધારિત ઉદ્યોગો,
લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસતા ગાંધીધામ-કચ્છ વિસ્તારમાં ટ્રેડ
ફેસિલિટેશન, મંજૂરી પ્રક્રિયામાં સરળતા અને માહિતીના ઝડપી
વહન માટે એક સંકલિત મિકેનિઝમ ઊભું કરવાની જરૂરિયાત પર સહમતિ વ્યક્ત કરવામાં આવી
હતી. આ પ્રકારના સંવાદ સત્રો નિયમિત રીતે યોજાય તો સરકાર અને ઉદ્યોગ વચ્ચે
વિશ્વાસપૂર્ણ ભાગીદારી વધુ મજબૂત બનશે અને કચ્છને રાષ્ટ્રીય સ્તરે એક સુવ્યવસ્થિત
વ્યાપારિક મોડેલ તરીકે વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે તેવો આશાવાદ
વ્યક્ત કરવામાં આવ્યો હતો.