બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 5 : કચ્છની જાણીતી રોગાન કલાને ભારે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર કાઢી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર નિરોણાની કલાના બુઝુર્ગ કસબી આરબ હાસમ ખત્રીની વર્ષ 2024ના આંતરરરાષ્ટ્રીય લાઇફટાઇમ એચિવમેન્ટ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વ્યક્તિએ સમગ્ર જીવનકાળ દરમ્યાન કોઇપણ ક્ષેત્રમાં કરેલા નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિઓ માટે આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. દિલ્હીની વિલેજ ક્રાફ્ટ સંસ્થાની ખાસ આંતરરાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2024 માટે નિરોણાની રોગાન કલામાં સમગ્ર જીવન સમર્પિત કરનાર 67 વર્ષીય ખત્રી આરબ હાસમની પુરસ્કાર માટે પાત્રતા ઠરી છે. એક સમય એવો હતો જ્યારે રોગાન કલા પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હતી તેવા સમયે ભારે વિકટ પરિસ્થિતિમાં આરબભાઇ ખત્રી પોતાના પિતા મર્હૂમ હાસમ ખત્રી સાથે રોગાન કલાને જીવંત રાખવા કમર કસી હતી. છેલ્લા પાંચ દાયકા રોગાન કલાના જતન દરમ્યાન અનેક કષ્ટ વેઠી બુઝુર્ગ કસબી 1991માં રાજ્યનો એવોર્ડ, 2006માં રાષ્ટ્રીય કક્ષાએ મેરિટ સર્ટિ. અને 2016માં આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેવી કલા ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજીવન રોગાન કલાસાધનાની કદરરૂપે આંતરરાષ્ટ્રીય દિલ્હીની વિલેજ ક્રાફ્ટ નામની સંસ્થાએ કસબીને પુરસ્કારની ઘોષણા કરી છે. કલા ક્ષેત્રે લાઇફટાઇમ એચિવમેન્ટ ક્રાફ્ટ એવોર્ડ એવું સન્માન છે કે જે કોઇ કલાકાર તેના સમગ્ર જીવન દરમ્યાન કલા માટે આપેલાં યોગદાન બદલ આપવામાં આવે છે. આ એવોર્ડ માત્ર કૃતિ માટે નહીં, પરંતુ વર્ષો સુધીની મહેનત, સમર્પણ, સર્જનાત્મકતા અને કલા ક્ષેત્રમાં પાડેલા પ્રભાવ માટે આપવામાં આવે છે. આ સન્માન કલાકારના જીવનભરના સંઘર્ષ, સફળતા અને કલાપ્રેમને માન્યતા આપે છે. એવોર્ડ માત્ર સન્માન જ નહીં, પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણાનું પણ પ્રતીક બને છે તેવી લાગણી વ્યક્ત થઇ હતી. અર્પણ સમારોહ આગામી ફેબ્રુઆરીમાં યોજાશે.