• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

મોટી ખાખરમાં સુશીલા પ્રા. સારવાર કેન્દ્રનો પ્રારંભ

માંડવી, તા. 5 : આરોગ્ય ક્ષેત્રે સેવાકીય કાર્યોમાં માંડવી તથા મુંદરા તા. મોખરે છે ત્યારે મુંદરા તાલુકાના મોટી ખાખર મધ્યે સુશીલા વોરા મેડિકલ અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુશીલા પ્રાથમિક સારવાર સેન્ટર ડે કેર મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન માનવતાવાદી લીલાધર માણેક ગડા (અધા) ના હસ્તે કરાયું હતું. સાધ્વીજીએ મંગલાચરણ કર્યા હતા. 1966માં મોટી ખાખરમાં સમયસર સારવાર ન મળવાના અવસાન પામેલી બહેન સુશીલાની સ્મૃતિમાં આ ક્લિનિકનો પ્રારંભ કરાયો હોવાનું ડો. કિશોર વોરાએ જણાવ્યું હતું.

વિવિધ વિભાગો

સમય બદલાયો, સાધનો વધ્યા, સારવારની રીતો સુધરી અને બચપણના મિત્ર ડો. મયૂરભાઈ મોતાને વિચારો વ્યકત કર્યા, તેમણે ડો. ભરતભાઈ ધરોડનું નામ સૂચવતાં ડો. ધરોડના નેતૃત્વ હેઠળ આ કિલનિકને આકાર મળ્યો અને આજે 8 બેડના ડે કેર સારવાર કેન્દ્રમાં પેથોલોજી લેબોરેટરી, એક્ષ-રે વિભાગ, ફિઝિયોથેરાપી, દંત વિભાગ ઉપરાંત જરૂરિયાત મુજબની દવાઓ (ફાર્મસી)ની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. લીલાધરભાઈ ગડા (અધા)એ આ સેન્ટરને શહેર બરાબર લેખાવી ડો. ધરોડની કાર્યપદ્ધતિને બિરદાવી આ ક્ષેત્ર નાનું નહીં રહે મોટું થશે તેવો ભાવ વ્યકત કર્યો હતો.

40 હજારની સારવાર

ડો. ભરત ધરોડે માત્ર ર0 રૂપિયામાં દવા-ઈજેકશન અપાય છે તેમ જણાવી મોટી ખાખર ઉપરાંત રામાણિયા, મોટા આસંબિયા, ડેપા, ગજોડ, નાની ખાખર ગામોમાં મળીને સવા બે વર્ષમાં 40 હજાર દર્દીની સારવાર કરાઈ હોવાનું ઉમેર્યું હતું. મોટી ખાખર જૈન મહાજનના પ્રમુખે ડો. કિશોરભાઈ અને બીનાબેન માટે માઈલસ્ટોન સમી સંસ્થાનું ઉદ્ઘાટન કરી આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ કરી મોટી ભેટ આપી હોવાનું કહ્યું હતું. સંકુલના ભૂમિદાતા તરીકે શ્રી પ્રાણજીવન કેશવજી વિકમ પરિવાર (મોટી ખાખર-પૂના) રહ્યા હતા. ટ્રસ્ટ વતી ભૂમિદાતા પરિવારના વિપિનભાઈ તથા નયનાબેનનું સન્માન ભાઈલાલભાઈ તથા હિરેનભાઈએ કર્યું હતું.

વિવિધ સન્માન

લીલાધરભાઈ ગડા અધાનું ડો. કિશોરભાઈએ, ડો. ધરોડ સુરેખાબેન તથા શ્વેતાબેનનું મંગલભાઈ મોતા તથા નિકુંજભાઈ ગાલાએ, રમણીકભાઈ જાદવજી ગડા વતી નીશર શૈલેષ ધરોડનું હિરેન માલદે તથા પારસ વોરાએ, પ્રફુલભાઈ ભેદા તથા વિરેન્દ્રભાઈ વોરાનું વિજયભાઈ છેડા તથા જીતેન્દ્રભાઈ વોરાએ, મયૂરભાઈ કેશવજી દેઢિયા વતી ભાવિનીબેનનું ધીરજભાઈ શાહ તથા જય સાવલાએ, અહમદભાઈ ખત્રીનું જગજીવનભાઈ સાવલા તથા મહેન્દ્રભાઈ મારૂએ, સેફ અલીભાઈનું ચંપકભાઈ છેડા તથા દિનેશભાઈ વોરાએ, મોટી ખાખરના સરપંચ રતનભાઈ ગઢવીનું ધીરેન્દ્રભાઈ છેડા તથા ડો. નીલેશ મારૂએ સન્માન કર્યું હતું, જ્યારે ડો. કિશોરભાઈનું મોટી ખાખર જૈન મહાજન, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવી તથા ડો. રવિભાઈ, વસંતભાઈ ગલિયાસ, રાજપૂત ક્ષત્રિય સમાજ મોટી ખાખર, ગઢવી સમાજ મોટી ખાખરે, તો  ડો. કિશોરભાઈ તથા બીનાબેનનું હરેશભાઈ મગનલાલ ગાલા, ધનવંતીબેન, નેહાબેન નિકુંજભાઈ, અંકિતા ભૂમિ વિગેરેએ સન્માન કર્યું હતું. ભૂમિદાતા પરિવારે ડો. કિશોરભાઈ તથા ડો. ભરતભાઈ ધરોડનું, જ્યારે ડો. મયુરભાઈ મોતા તથા સરોજબેનનું અજયભાઈ મોતાએ સન્માન કર્યું હતું.  કાર્યક્રમમાં વિજયભાઈ છેડા, શરદભાઈ રામ્ભીયા, જનકલ્યાણ હોસ્પિટલના ચેરમેન કિરણભાઈ સંઘવી, ડો. રવિભાઈ, રણજીતાસિંહ જાડેજા, ડો. રોહિતભાઈ સાવલા, જયેષ્ઠાબેન સાવલા ઉપરાંત કચ્છ તથા મુંબઈ, અમેરિકા, પૂના, અમદાવાદ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ આવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન બીનાબેન વોરાએ તથા આભારવિધિ ડો. મયૂરભાઈ મોતાએ કર્યા હતા.

Panchang

dd