ભુજ, તા. 5 : ભુજ
બાર એસોસિયેશનની નવનિયુક્ત કારોબારી દ્વારા જજીસ અને વકીલોનું સ્નેહમિલન યોજાયું
હતું. આવકાર નવનિયુક્ત પ્રમુખ સચિન એમ. ગોરે આપ્યો હતો. નવનિયુક્ત કારોબારીએ ચાર્જ
સંભાળતાં કંઇક નવું કરવાની ભાવના અને બદલાવ લાવશે તેવું જણાવ્યું હતું. કચ્છ
જિલ્લાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડી.પી. મહિડા, ચીફ જ્યુડિશિયલ મેજિ. તરીકે હાલમાં જ બદલી
થઇ આવેલા શ્રી કુરેશી ઉપરાંત ભુજ ખાતેના અલગ-અલગ ન્યાયાધીશ, જિલ્લા
સરકારી વકીલ એચ.બી. જાડેજા અને અધિક જિલ્લા સરકારી વકીલ એસ.એમ. મહેશ્વરીનું પણ
સન્માન કરાયું હતું. રજિસ્ટ્રાર આર.સી. પટેલ વયનિવૃત્ત થતાં તેમને શુભેચ્છા પાઠવાઇ
હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી મહિડાએ નવાં વર્ષે નવા સંકલ્પો પૂર્ણ થાય
તેવી શુભેચ્છા પાઠવી હતી. વકીલો વતી રામલાલભાઇ ઠક્કરે ઉદ્બોધન કર્યું હતું. બાર
એન્ડ બેન્ચ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બને અને એકબીજાને સાથ-સહકાર આપી લોકોને ઝડપી
ન્યાય મળે તે માટે કટિબદ્ધ રહેવાની લાગણી વ્યક્ત કરાઇ હતી. સંચાલન મંત્રી મલ્હાર
બૂચે, તો આભારવિધિ ઉપપ્રમુખ કાનજીભાઇ ધુઆએ કરી હતી. ચૂંટણી
અધિકારી જે.જે. જાડેજા, એ.વી. સલાટ અને સી.એચ. આચાર્ય દ્વારા
ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મદદરૂપ થયેલ
વકીલોને સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા. જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઇ ગોસ્વામી તેમજ
અન્ય હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.