મુંબઈ, તા. 25 : વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે ઊભા
થતા અવસર, સર્જાતી તકો સહિતના અગત્યના મુદ્દાઓ ઉપર વિવિધ
પ્રકારના કાર્યક્રમો-પરિસંવાદનું આયોજન કરતી સંસ્થા `કચ્છ કોર્પોરેટ ફોરમ' અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે દાયકાઓથી એક
પરંપરા સર્જનારા વર્તમાનપત્રો જન્મભૂમિ અને વ્યાપાર સંયુક્ત રીતે આ વખતે એક વિશિષ્ટ
વિષય પર પરિસંવાદનું આયોજન કરી રહ્યા છે. શનિવારે સાંજે પાંચ વાગ્યે માટુંગા સ્થિત
નારાયણજી શામજી મહાજનવાડીમાં આ કાર્યક્રમ યોજાશે. `કચ્છ કોર્પોરેટ ફોરમ'ના મુકેશ દેઢિયાએ આ કાર્યક્રમ વિશે કહ્યું કે,
શનિવારે સાંજે યોજાનારા પરિસંવાદને `ફ્લરિશ ઓર વેનિશ' એટલે કે, ખીલો અથવા ભૂંસાઈ
જાઓ એવું શીર્ષક માર્મિક રીતે અપાયું છે. બસેશ ગાલા આ ક્ષેત્રના જાણીતા વ્યક્તિ છે,
જેઓ અહીં ઉપસ્થિત થનારા લોકોને માર્ગદર્શન આપશે. એક કલાક તેમનું વક્તવ્ય
રહેશે અને પછીની એક કલાક એક પેનલ ડિસ્કશન થશે, જેમાં એમર્ટીસ
વી-ટ્રાન્સ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અશોક શાહ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના
મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, ગાલા પ્રિસિસન એન્જિનીયરિંગના
ચેરમેન અને એમડી કિરીટ ગાલા, વિન્ડપ્લસ પ્રાઈવેટ લિમિટેડના માનસી
ઠક્કર હિસ્સો લેશે અને ઉપસ્થિત સૌને પોતાના અનુભવના નિચોડથી માર્ગદર્શન આપશે. આમ તો કચ્છ કોર્પોરેટ ફોરમના સભ્યો માટે જ આવા કાર્યક્રમો
હોય છે, પરંતુ આ વખતે રસ ધરાવતા વ્યાપાર ક્ષેત્રના અન્ય લોકો
પણ તેમાં ઉપસ્થિત રહી શકશે. જન્મભૂમિ અને વ્યાપાર વર્તમાનપત્રો પણ આ આયોજનમાં સાથે
છે. વ્યાપાર પણ બજેટ અને અન્ય આર્થિક બાબતો માટે આવા કાર્યક્રમો અવારનવાર યોજે છે. વિનામૂલ્યે યોજાનારા આ સેમિનારમાં અત્યાર સુધીમાં
500 નોંધણી થઈ ચૂકી છે. - ક્યા વિષય પર થશે ચર્ચા ? : એમએનસીની
સામે કેવી નીતિઓ અખ્યાર કરવી તથા કઈ રીતે તેની સ્પર્ધાનો સામનો કરવો, ફંડેડ સ્ટાર્ટ-અપ્સ, ચેઈન
શોપ અને ઓનલાઈન વેપાર ક્ષેત્રના પડકાર કેવી રીતે ઝીલવા, પારિવારિક
વ્યાપારમાં નવી પેઢીને કઈ રીતે જોડવી, પેઢીઓ વચ્ચેનું અંતર વેપારક્ષેત્રે
કેમ ઘટાડવું, સારી પ્રતિભાઓને આકર્ષવી તથા ટીમને મેનેજ કરવી,
ઓછા દરે ક્યાંથી અને કેમ ફંડ લઈ આવવું, નેટવર્કિંગ
કેવી રીતે વધારવું, તદ્દન ખર્ચ વગર બ્રાન્ડિંગ કેવી રીતે કરવું
સહિતના મુદ્દાઓ પર બસેશ ગાલા માર્ગદર્શન આપશે. - 30 વર્ષથી કાર્યરત છે સંસ્થા
: મુકેશભાઈએ કહ્યું કે, કચ્છ કોર્પોરેટ ફોરમ છેલ્લાં 30 વર્ષથી વ્યાપારી ક્ષેત્રે આવા
કાર્યક્રમો કરે છે. પડકારો આવે તો શું કરવું, બદલાતા સમયની સાથે પડકારોનું બદલાતું સ્વરૂપ, માનવ સંશાધન,
આર્થિક બાબતો સહિતના વિષયો પર માર્ગદર્શક સેમિનાર્સ અમે યોજીએ છીએ.