રાપર, તા. 22 : વિશ્વ વિરાસત ધોળાવીરામાં વિમાન
અને રેલવેસેવા શરૂ કરવાની વાતો વચ્ચે આજે ધોળાવીરાથી મહેસાણા સીધી બસ શરૂ કરાતાં ખડીર
પ્રાંથળના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અંગે ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ માહિતી
આપતાં જણાવ્યું હતું કે, સવારે ધોળાવીરાથી
મહેસાણા સીધી બસ કે જે ધોળાવીરાથી બાલાસર, મૌવાણા થઈ સીધી સાંતલપુર,
રાધનપુર થઈને મહેસાણા પહોંચશે. સવારે 5-30 કલાકે ધોળાવીરા (આર્મી કેમ્પ)થી
અને બપોરે 12-45 કલાકે મહેસાણાના અંબાસણ (આર્મી
કેમ્પ)થી ઉપડશે. આ સર્વિસ સીધી શરૂ થતાં અને બીએસએફના હેડ ક્વાર્ટરને જોડતી હોવાથી
અહીંના બીએસએફ જવાનો, પાટણ સારવાર
માટે જતા-આવતા દર્દીઓ અને ધોળાવીરા દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે,
તો રાપરથી જતા રૂટ કરતાં 45 કિ.મી. જેટલું અંતર પણ ઘટશે. અહીંના લોકોની વર્ષો જૂની માંગ
સંતોષાતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. આજે મહેસાણાથી આવી પહોંચેલી બસનું ધોળાવીરા
સરપંચ, બીએસએફના જવાનો અને ગ્રામજનો દ્વારા સ્વાગત
કરવામાં આવ્યું હતું. આ બસને અમદાવાદ અને નારાયણ
સરોવર સુધી લંબાવવામાં આવે તેવી રજૂઆત આગામી સમયમાં કરાશે. અમદાવાદ-ધોળાવીરા વાયા રાપર
બસ ચાલુ છે ત્યારે એક્સપ્રેસ રૂટની બીજી બસ શરૂ થતાં પ્રવાસીઓને વધુ સુવિધા મળશે.