અમદાવાદ : સામાન્યરીતે દરેક સ્ત્રી માટે મેનોપોઝ અને પેરિમેનોપોઝ
ખૂબ જ મહત્ત્વનો એક પડાવ હોય છે. શરીરમાં આવતા બદલાવથી તે ઝૂઝતી જોવા મળે છે. આ બધા
જ બદલાવ સામાન્ય રીતે મેનોપોઝની સ્થિતિની સાથે જ પૂરા થતા હોય છે અને ત્યારબાદ દરેક
સ્ત્રી એક અલગ જીવન તરફ પ્રયાણ કરતી હોય છે. આ બધા જ બદલાવમાંનો એક મોટો બદલાવ છે માસિકનું
બંધ થઇ જવું, પરંતુ જો મેનોપોઝનો સમયગાળો
પૂરો થઇ ગયાના બે વર્ષ પછી જો અચાનક ખૂબ જ બ્લિડિંગ શરૂ થાય તો સ્વાભાવિક રીતે ચિંતાની
સ્થિતિ છે તેમ કહી શકાય અને ડોક્ટરની સલાહ તો લેવી જ પડે. આવું જ કંઈક બન્યું પ્રજ્ઞા
ઓઝા (નામ બદલ્યું છે) સાથે. તેઓ પોતાના દીકરાને ત્યાં દિવાળીની ખુશીઓ મનાવી રહ્યાં
હતા અને તેમને એકદમથી બ્લિડિંગ શરૂ થઇ ગયું. તેમના પતિ મુકેશભાઈએ બે દિવસ રાહ જોવાની
સલાહ આપી. આ બે દિવસ દરમિયાન પ્રજ્ઞાબહેન સતત ચિંતામાં રહ્યા અને તે સ્વાભાવિક પણ હતું.
મનમાં હજારો સવાલો અને ચિંતા. મને કઈ થઇ જશે તો મારા પરિવારનું શું ? બે દિવસના અંતે તેમણે મુકેશભાઈને કહ્યું, `મારે વધુ રાહ નથી જોવી. ચાલો, ડોક્ટર પાસે. `મુકેશભાઈને પણ હવે ચિંતા થઇ અને તેઓ પ્રજ્ઞાબહેન
સાથે તેમના ગાયનેકોલોજિસ્ટ પાસે પહોંચી ગયા. તપાસ અને સોનોગ્રાફી કર્યા પછી ગાયનેકોલોજિસ્ટ
દ્વારા ઓન્કોલોજિસ્ટના પરામર્શ માટે સલાહ આપવામાં આવી. તેઓ કેડી કેન્સર સેન્ટર ખાતે
ડો. સોમેશ ચંદ્રા અને ડો. નિષ્ઠા ત્રિપાઠીને મળ્યા અને તપાસમાં પ્રારંભિક સ્ટેજનું
એન્ડોમેટ્રિયલ કેન્સર (ગર્ભાશયના અંદરના પડનું કેન્સર) છે તેવું જાણવા મળ્યું. જ્યારે
આ વાતની જાણ ડો. સોમેશ દ્વારા પ્રજ્ઞાબહેનને કરવામાં આવી ત્યારે તેમણે એક જ પ્રશ્ન
પૂછ્યો, `સર, શું મારી પાસે સમય બાકી છે ?' આ સમયે એક અજંપા, આગળ શુંના પ્રશ્નો સાથેનું સ્મિત હતું.
ડો. સોમેશ દ્વારા તેમને સારવાર અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી. કેન્સર હજી પ્રથમ
તબક્કામાં હતું, એટલે સારવાર માટે ઘણા ઓપ્શન ઉપલબ્ધ હતા. મુકેશભાઈ
અને પ્રજ્ઞાબહેન સાથે વિગતવાર વાતચીત કર્યા પછી રોબોટિક હિસ્ટરેક્ટોમી સાથે સેન્ટિનલ
લિમ્ફનોડ બાયોપ્સી કરવામાં આવી. આ મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા કેન્સરગ્રસ્ત ભાગ
દૂર કરવામાં આવ્યો અને સાથે જ સેન્ટિનલ લિમ્ફ નોડ્સની તપાસ કરીને કેન્સર ત્યાં સુધી
ફેલાયું છે કે નહીં, તેની મહત્ત્વપૂર્ણ માહિતી પણ મળી. ડો. સોમેશ
અને ડો. નિષ્ઠાએ એક પગલું આગળ ભરતાં કેન્સરને વધુ નજીકથી સમજવા માટે ટ્યુમરનું મોલેક્યુલર
ટેસ્ટિંગ કરવાનું નક્કી કર્યું. આ ટેસ્ટમાં તેમના ટ્યુમરમાં POLE મ્યુટેશન જોવા મળ્યું. POLE મ્યુટેશન ધરાવતા કેટલાક એન્ડોમેટ્રિયલ કેન્સરમાં
પ્રોગ્નોસિસ સામાન્ય રીતે ખૂબ સારી હોય છે. તેથી માત્ર `કેન્સર છે' એટલું જાણવું પૂરતું નથી. કેન્સર કયા સ્ટેજનું
છે, તેની સાથે તે કઈ બાયોલોજી ધરાવે છે તે સમજવું પણ સારવાર માટે
અત્યંત મહત્ત્વનું છે. આ બધા જ રિપોર્ટને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો કે કિમો
થેરાપી કે રેડિયેશનની જરૂર નથી. આજે 6 મહિના પછી પ્રજ્ઞાબહેન યોગ્ય સમયાંતરે ફોલોઅપ માટે આવે છે અને
સ્વસ્થ છે. આ કેસ એક વાત સમજાવે છે કે, `કેન્સરની સારવારમાં હંમેશાં `વધુ સારવાર' એટલે `વધુ સારું
પરિણામ' એવું નથી હોતું.'