ટોકિયો, તા. 23 : જાપાનમાં રવિવારે વહેલી સવારે
ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. પાટનગર ટોકિયો સહિત પૂર્વ જાપાનના અનેક વિસ્તારોમાં
આવેલા આ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા રિખ્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ છે. સત્તાવાર માહિતી
અનુસાર, આ આંચકાનાં કારણે વિવિધ સ્થળોએ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો
કે, રાહતની વાત એ છે કે, ભૂકંપ
બાદ કોઈ સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર
સતત નજર રાખવામાં આવી રહી છે. જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રાબિંદુ દક્ષિણ ઇબારાકી પ્રાંતમાં જમીનથી આશરે 70 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
યુનાઇટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વે અનુસાર આ
ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં
આવી હતી. આ ભૂકંપના આંચકા રાજધાની ટોકિયો અને તેની આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા
હતા. અત્યાર સુધીમાં કોઈ મોટા વ્યાપક નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અધિકારીઓના
રિપોર્ટ અનુસાર ભૂકંપનાં કારણે 4 પ્રાંતોમાં
કુલ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં સાઇતામામાં 9, કાનાગાવામાં 9, ચિબામાં 4 અને ઇબારાકીમાં 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. મોટાભાગના લોકો
તે સમયે ઘાયલ થયા હતા જ્યારે તેઓ ઘરમાં ઊંઘી રહ્યા હતા અને અચાનક ભૂકંપના આંચકા આવતાં
ગભરાઈને ભાગવા જતાં પડી ગયા હતા અથવા ફર્નિચર સાથે અથડાયા હતા. યોકોહામા શહેરના એક
અહેવાલ મુજબ 80 વર્ષથી વધુ વયના એક વૃદ્ધા
પલંગ પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી.