નવી દિલ્હી, તા. 23 : કોકરોચ જનતા
પાર્ટી (સીજેપી)એ કેન્દ્ર સરકાર પર વચનો પૂરાં નહીં કરવાનો આરોપ રવિવારે મૂકયો હતો.
હજુ પણ સરકાર વચનો પૂરાં નહીં કરે, તો કોકરોચ ફરી રસ્તાઓ પર ઉતરશે, તેવું કહેતા આંદોલન છેડવાની
ચેતવણી આપી હતી. સીજેપીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક આવતીકાલે સોમવારે યોજાશે,
જેમાં કોકરોચ પાર્ટી કોઇ મોટું એલાન કરી શકે છે. કોકરોચ જનતા પાર્ટીએ
દેશભરના છાત્રો, યુવાનો અને પોતાના કાર્યકરને સોમવારની બેઠક બાદ
લેવાનારા ફેંસલાઓ માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે દેશભરમાં પ્રદર્શનકારી
છાત્રો વિરુદ્ધ એફઆઇઆરની યાદી માંગી હતી. કેન્દ્ર સરકારે એ યાદી આપવાની પ્રતિબદ્ધતા
બતાવી નથી. સીજેપીના સહસંયોજક સૌરવદાસે જણાવ્યું હતું કે, આંદોલન
વખતે થયેલી તમામ એફઆઇઆર પાછી ખેંચવા તેમજ જીવ ખોનારા નીટના છાત્રોના પરિવારોને વળતરનાં
વચનો પણ સરકારે આપ્યાં હતાં. આંદોલન ખતમ કરવાનો ફેંસલો કેન્દ્ર સરકારે આપેલાં આવાં
તમામ વચનો પર વિશ્વાસ મૂકીને કરાયો હતો. આ વચનો સરકાર પાસેથી પૂરાં કરાવવા માટે ફરી
શાંતિપુર્ણ આંદોલન શરૂ કરવા સહિત જરૂરી પગલાં લેવાશે.