દિવ્યેશ વૈદ્ય તરફથી : અમદાવાદ/મુંદરા, તા. 27 : સમુદ્ર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સ્થાનિક એસઓજીને સાથે લઈને મંગળવારે મુંદરા કાંઠાની સામે દરિયાનાં આઉટર એન્કરેજ વિસ્તારમાં કરાયેલી સર્ચ કાર્યવાહી દરમ્યાન લગભગ રૂા. 1150 કરોડની કિંમતનું કોકેઇન કબજે કરાયું હતું. એજન્સીઓને પાંચ થેલામાં કુલ 115 પેકેટ મળી આવ્યાં હતાં, જેનું કુલ વજન 118.977 કિ.ગ્રા. હતું. શોધ કાર્યવાહી બાદ જહાજને વધુ તપાસ માટે બંદર પર લાવવામાં આવ્યું હતું અને ત્રણ વિદેશી નાગરિકની ધરપકડ કરાઇ છે. કચ્છના કાંઠેથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાની દેશદ્રોહી પ્રવૃત્તિઓની અનેક ઘટના બહાર આવી ચૂકી છે, ત્યારે વધુ એકવાર આવી ઘટના બની હોવાનો ગઈકાલે `કચ્છમિત્ર'એ આગોતરો જ પર્દાફાશ કરતો `એક્સક્લુઝિવ' અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કાંઠા નજીક સમુદ્રમાં એટીએસની કાર્યવાહી જારી હોવાની વિગત પ્રગટ કરવામાં આવી હતી, જેને સમર્થન આપતાં આજે એટીએસએ સત્તાવાર પત્રકાર પરિષદ યોજીને વિગતો જાહેર કરી હતી. ગુજરાત ડીજીપી કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, બ્રાઝિલથી કોકેઇનનો જથ્થો ગુજરાતના દરિયા ખાતેથી દિલ્હીમાં ડિલિવરી કરવાનું ગુનાહિત કાવતરું હતું.ગુજરાત એ. ટી. એસ.ના પો. ઇન્સ. જે. એમ. પટેલને બાતમી મળી કે, યુરોપ નામના કાર્ગો વહાણમાં તેના ક્રુ મેમ્બર એન્ગીન્જાઇટ નેસ્સોરો જુમ્માન તથા જુમા નાસિર ઓમાર તથા તેમના મળતિયાઓ બ્રાઝિલથી આશરે 6 થેલાઓમાં 150 કિલો જેટલો માદક પદાર્થ કોકેઇનનો જથ્થો સંતાડીને તા. 26/5/ 2026ના સવાર દરમ્યાનમાં મુંદરા સામે દરિયામાં આઉટર એન્કરેજ વિસ્તારમાં કોઇ ફિશિંગ બોટમાં ડિલિવરી કરવાના છે અને આ કોકેઇનનો જથ્થો દિલ્હી ખાતે રહેતા કેલ્વિન ચુકવુઆમા તથા બ્યારુહન્ગા જેમ્સને ડિલિવરી કરવાના છે. આ બાતમીની જાણ ગુજરાત એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓને કરતાં તેઓના હુકમના આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધીક્ષક કે. સિદ્ધાર્થના નેતૃત્વ હેઠળ પો. ઇન્સ. વી. આર. જાડેજા, પો. ઇન્સ. બી.એમ. પટેલ તથા પો. વા. સ. ઇ. જે.પી. વરમોરાની ટીમ મુંદરા ખાતે રવાના કરાઈ હતી તથા પો. કો. હરજિતાસિંઘ રાજ, પો. કો. અહેમદ મકવાણા તથા પો. કો. દિવ્યરાજાસિંહ ચૌહાણની ટીમ એ.ટી.એસ. ખાતે ટેકનિકલ કામગીરીમાં રોકાઈ હતી. આ કામગીરી દરમ્યાન એસ. ઓ. જી કચ્છ-ભુજ પો.ઇન્સ. એ. ડી. પરમાર, કોસ્ટલ તથા મરીન પોલીસ તથા તેઓની ટીમ સાથે રહી હતી. - દ્વારકા, દિલ્હીથી રાઉન્ડઅપ : ગુજરાત લાવવા તજવીજ : આ માલની ડિલિવરી લેનાર ઇસમો કેલ્વિન તથા બૈરુંગાને પણ દ્વારકા, દિલ્હી ખાતેથી દિલ્હી પોલીસની મદદથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા રાઉન્ડઅપ કરી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરાઈ છે. વહાણ ઉપર રહેલ બન્ને આરોપીઓ તાન્ઝાનિયાના છે અને દિલ્હીથી પકડવામાં આવેલ આરોપીઓ પૈકી એક નાઇજીરિયા તથા એક યુગાન્ડાનો વતની છે. - મુંદરા પોર્ટ ઓથોરિટી દ્વારા મદદ : આ તમામ કામગીરી દરમ્યાન તથા શિપ બોર્ડિંગ તેમજ નાસી ગયેલા આરોપીની શોધખોળમાં મુંદરા પોર્ટ ઓથોરિટી દ્વારા મદદ કરવામાં આવી છે, જેને ઓપરેશન ઇન્ટર-એજન્સી સમન્વયનો ઉત્તમ દાખલો ગણાવાયો હતો. આ ઇન્ટર-એજન્સી કો-ઓર્ડિનેશન થકી ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક મોટા ઇન્ટરનેશનલ ડ્રગ કાર્ટેલ વિરુદ્ધ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. - દિલ્હીથી પકડાયેલા બે શખ્સને કચ્છની કોર્ટમાં રજૂ કરાશે : દરિયામાં કૂદેલો લાપતા : અમદાવાદ, તા. 27 : એટીએસ કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજીના સંયુક્ત ઓપરેશનથી પાર પડેલી કોકેઈન ડ્રગ્સ પકડવાની ગઈકાલની કાર્યવાહી બાદ સ્થળ ઉપરથી પકડાયેલા જુમા નાસીર ઉમરને પહેલી જૂન સુધીના રિમાન્ડ પર મૂકવામાં આવ્યો હતો, તો બાકીના બે જેમને ડ્રગ્સની ડિલિવરી આપવાની હતી, એ કેલ્વિન ચૂકવુમા અને બ્યારુંગા જેમ્સને ઝડપી પડાયા બાદ સંભવત કાલે જ કચ્છમાં લાવવામાં આવશે. બીજીતરફ પાણીમાં કૂદી ગયો હતો એ તાન્ઝાનિયાના જીંજીટ નાસૂર જુમાની મરીન પોલીસે શોધખોળ આદરી હોવાનું જાણવા મળે છે. જો કે, રાત્રે આ લખાય છે ત્યાં સુધી હજુ એમની કોઈ ભાળ મળી નથી.કાર્યવાહી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, જુમા નાસિર ઓમરને પહેલી જૂન સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને વિદેશી નાગરિકના નાતે જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશનમાં તપાસ થાય એવી શક્યતા છે, જ્યારે બીજીતરફ, દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી પકડાયેલો કેલ્વિન ચૂકવુમા અને બ્યારુંગા જેમ્સ જે બંને નાઈઝિરિયા અને યુગાન્ડાના વતની છે.