• ગુરુવાર, 28 મે, 2026

બિદડામાં વૈદિક ચિકિત્સા અનુસંધાન અને રિસર્ચ સેન્ટરનું વર્ષાંતે કરાશે લોકાર્પણ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 27 : બિદડા સર્વોદય ટ્રસ્ટના શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં નિર્માણાધીન વૈદિક ચિકિત્સા અનુસંધાન અને સંશોધન કેન્દ્ર શારીરિક-માનસિક તંદુરસ્તીનાં ક્ષેત્રમાં નવું સોપાન બની વર્ષના અંતે લોકાર્પિત કરવામાં આવશે. બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્થાપક સદસ્ય બાબુભાઇ માણેક ફુરિયાના આ જન્મ શતાબ્દી વર્ષ સ્મૃતિમાં એમના પુત્ર રમેશભાઇએ મુખ્ય અનુદાન કેન્દ્ર માટે આપ્યું હોવાનું સંસ્થાના મેનેજિંગ ડિરેકટર હેમંતકુમાર રાંભિયાએ જણાવ્યું હતું. અવની, આકાશ અને પાતાળ સૃષ્ટિની અસમતુલા, પર્યાવરણનું પતન અને પ્રદૂષિત હવા એ માનવી ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ છે. તંદુરસ્ત શરીરમાંથી સ્વસ્થ મન સંભવી શકે એટલે બંને પ્રકારનું અવલંબિત સ્વાસ્થ્ય નવનિર્મિત ચિકિત્સા કેન્દ્રમાં શક્ય બનશે. છેલ્લા પાંચ દાયકાથી બિદડા સર્વોદયના ધુરાવાહકોએ આરોગ્ય ક્ષેત્રે વિશ્વભરમાં નવી અને આગવી કેડી કંડારી છે ત્યારે આ કેન્દ્ર તેમાં નવું સોપાન બની આગળ વધશે. ભારતીય સનાતન સંસ્કૃતિ પરંપરા અનુસાર યજ્ઞ (હવન-હોમ)નું મહાત્મ્ય શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારું હોઇ હકારાત્મક માણસ મનની તાજગી, નિરોગી શરીર રહે તે દિશામાં ટ્રસ્ટમાં તારામતી વેલનેસ સેન્ટર અને યોગ ઇન્સ્ટિટ્યૂટ સંકુલમાં નેણશી માણેક ફુરિયા વૈદિક ચિકિત્સા અને રિસર્ચ સેન્ટર સાડા ત્રણ હજાર ચો. ફૂટના માળખાંમાં નિર્માણાધીન છે, જેનું ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું અને  આગામી સપ્ટેમ્બર સુધી એ સાકાર થઇ જશે તેવું શ્રી રાંભિયાએ ઉમેર્યું હતું. યજ્ઞ (હોમ-હવન), મંત્ર થેરાપી વડે માનસિક વ્યગ્રતા, અશાંતિ, અનિદ્રા, માનસિક તનાવ જેવી નકારાત્મકતાને નિર્મૂળ કે નિયંત્રિત વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં કરાશે. હવન થેરાપી એટલે હવાનું શુદ્ધીકરણ, પ્રદૂષિત વાયુ-કિટાણુઓ નિર્મૂળ કરીને હવા, સુગંધ અને ઊર્જા દ્વારા ઉપચાર કરવાની કુદરતી રીત. મનને શાંત કરવું, તનાવ અને ચિંતા ઘટાડવી. શ્વાસને હકારાત્મક બળ આપવું. આ થેરાપી આપણી વૈદિકકાળથી દીર્ઘાયુ અને સુખાયુ અર્થે છે. યાજ્ઞિક સામગ્રી આર્યસમાજ કે ઉચિત સ્થળેથી મેળવાશે. એ ક્ષેત્રે તજજ્ઞો (એકસપર્ટ)ને સંવાદ અર્થે આમંત્રિત કરાશે. શરીરનું એક અંગ કમજોર બને તો ખામી અજંપો આપે તેમ સર્વાંગી નિરામયી જીવન માટે શરીર, મન અને આત્માની તંદુરસ્તી અનિવાર્ય છે. - વેદકાળથી મહિમા : હેમંતકુમાર રાંભિયાએ આપેલી વધુ વિગતો પ્રમાણે તેઓ વેદ-ઉપનિષદ, ભગવત ગીતા-અષ્ટાંગયોગ ઉપર સ્વયં સંશોધન-રિસર્ચ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, પ્રાચીન ભારતીય સભ્યતામાં માનસિક-શારીરિક આરોગ્ય માટેની શરૂઆત યજ્ઞ (હોમ-હવન)થી કરાતી, જેથી હવામાં શુદ્ધિ આવતી. માનસિક શક્તિ સાથે શારીરિક તાજગી નસીબ થતી. એને કેવળ ક્રિયાકાંડમાં ખપાવવું માનસિક ઋણતા કહેવાય, મનોદારિદ્ર માનવું પડે. 

Panchang

dd