વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 27 : સૂર્યનારાયણના
પ્રચંડ તાપથી તપ્ત ડુંગરા, સૂકાઇ ગયેલી
સીમ, ધરતી જાણે રગરગે છે. ઘાસનું તણખલું પણ બચ્યું નથી. આવા ભઠ્ઠ
વાતાવરણમાં કચ્છની 120 કિ.મી. ત્રિજ્યામાં
લીલોચારો ગૌવંશ સહિતની આંતરડી ઠારવા પહોંચે છે. વહેલી સવારે 5.30 કલાકે કાપણી થઇ અંતર પ્રમાણે
ઠેર ઠેર નીરણ થાય છે. કેરા-કુંદનપરથી દહિંસરા, રામપર-વેકરા, નારાણપર, બળદિયાના
વાડી-ખેતરો આંખ ઠારતા લીલાછમ્મ વાડીઓથી ફોરી રહી છે. માથાઢાંક જુવાર ફોરી રહી છે. જુવાર
ખેતરમાંથી 80થી 100 રૂપિયે મણ, મકાઇ પૂરી થવા આવી, ગજરાજ
ઘાસ, રંજકો વહેલી પરોઢે વઢાય છે. આ સમયે કામે જવાને પટેલ ચોવીસીમાં
ઝાકળિયું કહેવાય છે. અંતર પ્રમાણે 40થી 50 રૂપિયા ભાડું-મજૂરી
ચડે છે. ચોવીસીનો ચારો અબડાસા રાતાતળાવ, મુંદરા, વડાલા, ગુંદાલા,
પ્રાગપર, ભુજપુર, બિદડા,
તલવાણા, માંડવી, ગઢશીશા,
પોલડિયા, રાપર અને ભચાઉ સુધી પહોંચે છે. ભાડઇ,
કનકપરના તડબૂચ પણ ગાયોને બે રૂપિયે કિલો ભાવે પહોંચે છે. નારાણપરના જાદવજીભાઇ
સેંઘાણી, રવજી આહીર, રામપરના કાંતિગર ગુંસાઇ,
આમીર નોડે, ઇસ્માઇલ કુંભાર સહિતના અનેક મોટા વેપારી
છે, જે આખેઆખી વાડી સાથે રાખી લે છે. લીલોચારો વાઢવામાં ચોવીસીના
લેવા પટેલ સહિતના અન્ય બહેનો મહેનત કરે છે. કેરા-દહિંસરા રસ્તા પરની વાડીઓમાં સાગપ્હાણના
મધમીઠાં પાણીથી ફોરતો લીલો ચારો ખેડૂતોને સારું વળતર અપાવે છે. કેરાથી મુંદરા રસ્તે
ગિરધરભાઇ પિંડોરિયા હજારો ગાયોનો નિભાવ કરે છે. અહીં પરબતભાઇ વિશ્રામ ગોરસિયા સૂકો-લીલો
ચારો મિશ્રિત કરી સેવા કરે છે. હાલ રબારી માલધારીઓ અહીં મોટી સંખ્યામાં ગૌવંશ લાવ્યા
છે. મહુડો ઘાસ પણ પશુઓ માટે સારું છે. નારાણપરમાં ધનજીભાઇ વરસાણી `દરબાર'ની ગૌશાળામાં આગોતરા ઓર્ડર અપાય છે, તો જ્યાં જ્યાં ગૌરક્ષણ
છે ત્યાં હાલ લીલાચારાની છૂટ માંગ છે. તેથી ભાવ વધવા લાગ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ
વળતર આપતી લીલાચારાની ખેતી ફાયદાકારક છે. ચારાનું પરિવહન મોટાભાગે ટેમ્પા, યુટીલીટી દ્વારા થઇ રહ્યું છે.