અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય
પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ
સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છનાં અબડાસા ઘોરાડ અભયારણ્ય વિસ્તારમાં
એક દાયકાના લાંબા અંતરાલ બાદ `ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ' - ઘોરાડનાં બચ્ચાંનો જન્મ થયો છે, જે ગુજરાત માટે ગૌરવની
ક્ષણ છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું
હતું. શ્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું
કે, ગુજરાત વન વિભાગે વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ
હાંસલ કરી છે. આ સફળતા બદલ કેન્દ્રીય વન - પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રાલય, ગુજરાત, રાજસ્થાન અને વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના
સંયુક્ત પ્રયાસોને બિરદાવીને `એક્સ' પર માહિતી
આપીને અભિનંદન પાઠવ્યા હતા. વન મંત્રીએ જણાવ્યું હતું કે, આ સફળતા
પાછળ `જમ્પસ્ટાર્ટ એપ્રોચ' નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરવામાં
આવ્યો છે. વર્ષ 2011માં ગુજરાતના
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોરાડ પક્ષીઓના કુદરતી
રહેઠાણોનાં સંરક્ષણ માટે રજૂ કરવામાં આવેલાં વિઝનને અનુરૂપ વર્ષ 2016માં `પ્રોજેક્ટ જીઆઇબી' શરૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના સેમ અને
રામદેવરા ખાતે સ્થાપિત બ્રાડિંગ સેન્ટરોમાં પક્ષીઓની સંખ્યા વધીને હવે 73 સુધી પહોંચી છે. દરમ્યાન પશ્ચિમ
કચ્છના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ઘોરાડની વસ્તીમાં નર
પક્ષીઓની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડાં તો મૂકતી હતી, પરંતુ તે અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ
માટે એક સાહસિક અભિયાન હાથ ધરાયું હતું. રાજસ્થાનના બ્રાડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું
એક ફલિત ઈંડું લેવામાં આવ્યું હતું. પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં આ ઈંડાંને 19 કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી
કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તા. 22 માર્ચના કચ્છની માદા ઘોરાડના
માળામાં રહેલાં અફલિત ઈંડાંને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા
આ ઈંડાંનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને તા. 26 માર્ચના તેમાંથી તંદુરસ્ત બચ્ચાંનો
જન્મ થયો હતો. હાલમાં ફિલ્ડ મોનિટારિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને તેનાં બચ્ચાંનું
સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.