• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ભારતમાં સાયબર છેતરપિંડીએ પકડી રફતાર

નવી દિલ્હી, તા. 5 : ભારતમાં સાઇબર અપરાધ અને છેતરપિંડીના મામલાએ છેલ્લાં અમુક વર્ષોમાં ખતરનાક રફતાર પકડી છે. ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્ર (આઇ4સી)ના નવા આંકડા અનુસાર છેલ્લાં છ વર્ષમાં દેશભરમાં અલગ અલગ પ્રકાની છેતરપિંડીથી 52,976 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજીટલ અરેસ્ટ, ઓનલાઇન છેતરપિંડી, બેન્કિંગ ફ્રોડ અને સાઇબર ફિશિંગ જેવા બનાવ સામેલ છે. સૌથી વધારે ઓનલાઈ છેતરપિંડી રોકાણ યોજનાઓનાં નામે થઈ છે. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના આંકડા અનુસાર માત્ર 2025માં જ લોકોએ અંદાજિત 19,812.96 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અને 21,77,524થી વધારે છેતરપિંડીના બનાવ નોંધાયા હતા. આ પહેલાં 2024માં 22,849,49 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને 19,18,852 ફરીયાદ નોંધાઈ હતી. 2023મા 7,463.2 કરોડ રૂપિયાના નુકસાન સાથે 13,10,361 ફરિયાદ દાખલ થઈ હતી. 2022માં આ આંકડો 2,290.23 કરોડ રૂપિયા અને 6,94,446 ફરિયાદનો રહ્યો હતો. 2021માં 551.65 કરોડ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હતી અને 2020માં આ રકમ 8.56 કરોડ રહી હતી. રાજ્યદીઠ જોવામાં આવે તો મહારાષ્ટ્ર સાઇબર છેતરપિંડીથી સૌથી વધારે પ્રભાવિત રહ્યું છે. રાજ્યમાં 3203 કરોડનું નુકસાન થયું છે અને 28,33,20 ફરિયાદ થઈ છે. ત્યારબાદ કર્ણાટકમાં 2413 કરોડ રૂપિયા, તમિલનાડુમાં 1897 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશમાં 1443 કરોડ રૂપિયા અને તેલંગણમાં 1372 કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાઈ છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 1312.26 કરોડ, દિલ્હીમાં 1163 કરોડ અને પશ્ચિમ બંગાળમાં 1073.98 કરોડનું નુકસાન થયું હતું. ડેટા અનુસાર કુલ 19,812 કરોડ રૂપિયામાંથી 77 ટકા રકમ રોકાણ યોજનાનાં નામે થયેલી છેતરપિંડીની છે. આ ઉપરાંત 8 ટકા ડિજીટલ અરેસ્ટ સ્કેમ, 7 ટકા ક્રેડિટ કાર્ડ ફ્રોડ, ચાર ટકા સેક્સટોર્શન, ત્રણ ટકા ઇ કોમર્સ ફ્રોડ અને એક ટકા એપ અથવા માલવેર આધારીત છેતરપિંડી સંબંધિત છે.

Panchang

dd