વોશિંગ્ટન, તા. 5 : અમેરિકી
સૈનિકોએ ઓપરેશન એબ્સોલ્યૂટ રિઝોલ્યૂશનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકલોસ માદુરોને
કેદ કરી લીધા છે અને ટ્રમ્પે વેનેઝુએલામાં એક સારૂં નેતૃત્વ સ્થાપવાની વાત કરી છે.
હવે ટ્રમ્પે ક્યૂબા અને કોલંબિયાને ધમકી આપી છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો
પેટ્રોને ધમકી આપતા ટ્રમ્પે કહ્યું હતું કે,
તેઓ માદુરોની જેમ શાસન કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ક્યૂબા અંગે
ધમકી આપી છે કે ક્યૂબામાં કોઈપણ સમયે સરકાર ભાંગી શકે છે. ટ્રમ્પના આ બન્ને નિવેદન
બાદ લેટિન અમેરિકી દેશમાં તણાવ જેવો માહોલ બન્યો છે. તેમજ સ્થાનિક સરકાર વધારે
સતર્ક બની છે. કોલંબિયા અને ક્યૂબાને નિશાને લેવા ઉપરાંત ટ્રમ્પે વેનેઝુએલાના
કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા ડેલ્સી રોડ્રિગેઝને કહ્યું છે કે જો ડેલ્સી
વેનેઝુએલામાં યોગ્ય રીતે કામ નહી કરે તો તેણે ખુબ મોટી કિંમત ચુકવવી પડશે. કદાચ
માદુરો કરતા પણ મોટી કિંમત ડેલ્સીએ ચુકવવી પડશે. ડેલ્સ માટે ટ્રમ્પનું આ નિવેદન
ખુબ જ વિરોધાભાસી છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, ડેલ્સીએ
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી હતી અને વેનેઝુએલામાં જીવન સ્તર
સુધારવા અમેરિકા સાથે કામ કરવાની તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ટ્રમ્પે અગાઉ
વેનેઝુએલા ઉપર શાસન કરવાનું નિવેદન આપ્યું હતું. જેનો ભારે વિરોધ થતા મધરાત્રે
કહેવામાં આવ્યું હતું કે અમેરિકા વેનેઝુએલા ઉપર શાસન કરવા માગતું નથી. આ સ્પષ્ટતા
પણ માર્કો રુબિયો દ્વારા આપવામાં આવી હતી.