નવી દિલ્હી, તા. પ : આતંકવાદને
પાળતા-પોષતા પાકિસ્તાનને ભારતે ઓપરેશન સિંદૂર અને સિંધુ જળસંધિ સ્થગિત કરીને
એકસાથે બે મોરચે ફટકો માર્યો હતો. જેના હિસાબે પાકિસ્તાનમાં જતી નદીઓમાં પાણી જતું
અટકતા પાક.માં સંકટની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને વારંવાર તે આના માટે રોદણાં પણ
રોવે છે. આતંકવાદ સામે કોઈ નિર્ણાયક પગલાં ભરવામાં છેહ દેનારું પાકિસ્તાન પાણી
મુદ્દે નૈતિકતા અને કાનૂની અધિકારની દુહાઈ આપતું ફરે છે. સિંધુ જળ સંધિ માટે
પાક.ના કમિશનર સૈયદ મોહમ્મદ મેહર અલી શાહે કહ્યું હતું કે, સિંધુ
સંધિને સ્થગિત રાખવા માટે ભારત પાસે કોઈ કાનૂની અધાર નથી અને તે આંતરરાષ્ટ્રીય
કાયદાનું સમગ્ર રીતે ઉલ્લંઘન પણ છે. સ્થગન શબ્દને આંતરરાષ્ટ્રીય સંધિ કાયદા હેઠળ
કોઈ માન્યતા નથી. આ એક ઉપજાવી કાઢેલો શબ્દ છે. આને પહોંચી વળવા માટે પાકિસ્તાન
સાવધાની પૂર્વકના પ્રયાસો કરે છે.