અમદાવાદ, તા. 5 (અમારા
પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11-12મીના બે દિવસ માટે ગુજરાત આવી
રહ્યા છે અને 11મીની સવારે રાજકોટ ખાતે યોજાનારી કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક
વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું ઉદઘાટન કરવાના છે. રાજ્ય સરકારે જાન્યુઆરી-2027માં
વાયબ્રન્ટ ગુજરાત જેવી સમિટ યોજાય તે અગાઉ રાજ્યના ચાર ઝોનમાં પ્રાદેશિક વાયબ્રન્ટ
કોન્ફરન્સીસ યોજવાની શરુ કરી છે. જેમાં પ્રથમ ઉત્તર ગુજરાત કોન્ફરન્સ તો મહેસાણા
ખાતે યોજાઈ ચૂકી છે અને હવે આ બીજી કોન્ફરન્સ 11-12મીએ રાજકોટ ખાતે યોજાશે જેનું
ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું હોવાથી ગુજરાત સરકાર તેને રાજ્ય કક્ષાની
વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટની જેમ વૈશ્વિક અને જાજરમાન બનાવવા જઈ રહી છે.
આ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે કાં તો તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેના
ભાગરુપે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત લીધી હતી. દરમ્યાન, કૃષિમંત્રી જીતુભાઈ
વાઘાણીની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર
મોદીન હસ્તે 11મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી
યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ
કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ
આવશે. ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ હેઠળ રાજ્યના 10,435 ઉદ્યોગકારોને
રૂા. 956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું રાજકોટથી
વિતરણ કરવામાં આવ્યું હતું. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક
માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના જેવી
યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 137 ઉદ્યોગકારોને કુલ રૂપિયા 661.73 કરોડની
રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરાશે. ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું
રાજ્ય છે.