નવી દિલ્હી, તા. પ : દિલ્હી રમખાણનાં
કેસમાં પાંચ આરોપીઓનાં જામીન મંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી શરજીલ ઈમામ
અને ઉમર ખાલિદને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આટલું જ નહીં, એક વર્ષ સુધી ઉમર અને શરજીલ જામીન અરજી દાખલ કરી શકશે નહીં. આ ફેંસલો આપવા
સાથે અદાલત તરફથી કરવામાં આવેલી એક અત્યંત મહત્ત્વની કાનૂની સ્પષ્ટતામાં કહેવામાં
આવ્યું હતું કે, લાંબો સમય સુધી ન્યાયિક હિરાસત એટલે કે
જ્યુડિશિયલ કસ્ટડી જામીન મંજૂર કરી દેવાનો એકમાત્ર આધાર બની શકે નહીં. ઉમર,
શરજીલ, ગુલફિશા ફાતિમા, મીરાન
હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ
ખાન અને શાદાબ દિલ્હીનાં તોફાનોનાં આરોપમાં પાંચ વર્ષ અને 3 માસથી
તિહાર જેલમાં કેદ છે. આરોપીઓ તરફથી દિલ્હી હાઈકોર્ટનાં એક આદેશને પડકારવામાં આવ્યો
હતો જેમાં 2020માં દિલ્હી રમખાણ સંબંધિત કેસમાં તેમને
ગેરકાનૂની ગતિવિધિ (રોકથામ) અધિનિયમ (યુએપીએ) હેઠળ જામીન આપવાનો ઈન્કાર કરી
દેવામાં આવ્યો હતો. ઉમરે અત્યાર સુધીમાં નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી છ
વખત જામીન અરજી કરેલી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં
દિલ્હીમાં ભડકેલી હિંસામાં 53 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં અને
250થી
વધુ ઘવાયા હતાં. આ રમખાણો મુદ્દે કુલ મળીને 750થી વધુ એફઆઈઆર નોંધાઈ હતી.
સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ અરવિંદ અને જસ્ટિસ એન.વી.અંજારિયાએ આજે આરોપીઓની જામીન
અરજી અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે,
પ્રોસીક્યુશન અને પુરાવા, બન્ને આધારે ઉમર અને
શરજીલની સ્થિતિ અન્ય પાંચ આરોપીની તુલનામાં અલગ છે. કથિત અપરાધમાં બન્નેની ભૂમિકા
પ્રમુખ રહી છે. આ બન્નેની કસ્ટડી ભલે લાંબી રહી હોય પણ તેમાં બંધારણની જોગવાઈઓનો
કોઈ ભંગ થતો નથી અને સંબંધિત કાયદા હેઠળ લાગેલા પ્રતિબંધોને પણ આ લાંબી કસ્ટડી
નિષ્પ્રભાવી બનાવી દેતી નથી. ઉલ્લેખનીય છે કે, જામીન અરજીની
સુનાવણીમાં લાંબો સમય સુધી જેલમાં રહેવા અને બંધારણનાં અનુચ્છેદ 21 હેઠળ
સ્વતંત્રતાનાં અધિકારોની દલીલો આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ખટલા પહેલાની જેલને સજા
માની શકાય નહીં અને સ્વતંત્રતાથી આરોપીને વંચિત રાખવા પણ મનસ્વી નહીં ગણાય. યુએપીએ
એક વિશેષ કાયદા તરીકે એ શરતો વિશે એક કાનૂની માર્ગ દેખાડે છે કે ક્યાં આધારે ખટલા
પહેલા જામીન આપી શકાય. રાજ્યની સુરક્ષા અને અખંડતા સંબંધિત અપરાધોનાં આરોપ લગાવતા
મુકદ્દમામાં જામીન આપવાની શરતોને પણ કાનૂની રીતે નિર્ધારિત કરે છે. અદાલતે કહ્યું
હતું કે, આ મામલામાં ચર્ચા માત્ર ખટલામાં વિલંબ અને લાંબો
સમય સુધી જેલમાં કેદ રાખવા સુધી સીમિત રહી છે. જો કે યુએપીએની કલમ 43ડી(પ)માં
જામીન આપવાની જોગવાઈઓ સામાન્ય કરતાં અલગ છે. જો કે આમાં તે જામીન મંજૂર કરવા માટે
ન્યાયિક ચકાસણી નકારતી નથી અને જામીન આપવાનો ઈનકાર પણ કરતી નથી. અન્ય પાંચ આરોપી
ગુલફિશા, મીરાન,
સમીર ખાન, શાદાબને જામીન મળવાનાં કારણે શરજીલ
અને ઉમર સામેનાં આરોપોમાં કોઈ નરમાશ આવી જતી નથી. શરજીલ અને ઉમર સીવાયનાં પાંચ
આરોપીને 12 શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવામાં આવશે. જો શરતોનો ભંગ
થશે તો ખટલા અદાલત જામીન રદ કરવા માટે પણ સ્વતંત્ર રહેશે જ્યારે શરજીલ ઉમરની જામીન
અરજી ઉપર એક વર્ષ માટે રોક રહેશે. એટલે કે,
આ કેસમાં સંરક્ષિત સાક્ષીઓની જુબાની પૂરી થઈ જશે કે પછી આ જામીન
નકારતા આદેશનું એક વર્ષ પૂરું થઈ જશે. આ બન્નેમાંથી જે પહેલા પૂરું થાય ત્યારબાદ જ
બન્ને આરોપી જામીન અરજી કરી શકશે.