રાજકોટ, તા. 4 : સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ મામલે ઈડી
સહિતની એજન્સીઓ તરફથી તપાસના ધમધમાટથી રહેલી કાર્યવાહીએ કલેક્ટર સહિત જિલ્લા વહીવટી
તંત્રના અનેક અધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી છે. ઈડીએ કરેલી કાર્યવાહીના પ્રારંભે કલેક્ટર
રાજેન્દ્ર પટેલની બદલી કરાયા બાદ આજે મોડી સાંજે કલેક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ બજાવાયો
છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટાચારી સનદી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ મામલે જેમ જેમ
તપાસ આગળ વધતી જાય છે એમ એમ એક પછી એક નવા ફણગા ફુટી રહ્યા છે અને કૌભાંડના તાર સાથે
જોડાયેલા જુદા જુદા અધિકારીઓના નામ પણ ખુલી રહ્યા છે. દરમિયાન આ કૌભાંડ અંગે વધુ કાર્યવાહી
હાથ ધરાતા કલેક્ટરના પીએ તેમજ કલાર્કની બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં
નાયબ મામલતદારની ધરપકડ બાદ તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં
આવી છે અને તેમના રિમાન્ડ મંજૂર થયા છે. આ કૌભાંડમાં હવે વધુ અધિકારીઓ પર તપાસનો સંકજો
કસાઈ રહ્યો છે. કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટરના પીએ જયરાજસિંહની મૂળી અને
કારકુન મયુરાસિંહ ગોહિલની ધ્રાંગધ્રા બદલી કરી દેવામાં આવી છે.રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ
કરાયો છે કે બિનખેતી કરવાની રકમમાંથી અધિક જિલ્લા કલેક્ટર આર.કે.ઓઝાને 25% અને મામલતદારને 5% હિસ્સો અપાતો હતો. આ કારણે
આ બંને અધિકારીઓ પણ તપાસના કાર્યક્ષેત્રમાં આવી શકે એવી પ્રબળ સંભાવના જોતા તેમની સામે પણ સરકારી કાર્યવાહી તોળાઈ રહી છે. નોંધનીય છે કે
અગાઉ પણ જુદા જુદા કિસ્સામાં ભ્રષ્ટાચારી સનદી અધિકારીઓ, કલેક્ટર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું છે. સુરેન્દ્રનગરના જમીન કૌભાંડે અધિકારી વર્ગમાં ચર્ચા
અને જનતામાં ચકચાર મચાવી છે.