• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

કંડલા નજીક જહાજી અકસ્માતથી દોડધામ

ગાંધીધામ, તા. 11 : કંડલા બંદરે જહાજો જ્યાં જેટી ઉપર આવવાની રાહમાં હોય છે, તે તુણા આઉટર બોયો ખાતે આજે બપોરના અરસામાં જહાજી   અકસ્માતનો બનાવ બનતાં ભારે ખળભળાટ મચી ગયો છે.  બનાવના પગલે પોર્ટ પ્રશાસનમાં ભારે દોડધામ થઈ પડી છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજાઓ કે જાનહાનિ પહોંચી નથી. પાણી ભરાવાની સમસ્યાના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જો કે, જહાજને  સલામત  સ્થળે લઈ જવાની ગતિવિધિ  હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ તુણા  આઉટર બોયો ખાતે આજે બપોરના અરસામાં આ જહાજી અકસ્માતની ઘટના  બની હતી.   કેમેક્સઈમ્પોરીયર નામનું જહાજ   જેટી ઉપર લઈ અવાતું હતું.  26 ઓગસ્ટથી ઓ.ટી.બી.માં  રાહ જોતું 33 હજાર મેટ્રિક ટન ચોખા ભરેલું જહાજ ઊભું હતું, તેની સાથે  કોલસા ભરેલા જહાજની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કરથી પ્રશાસનમાં ભારે દોડધામ થઈ પડી હતી. 85968 મેટ્રિક ટન  સ્ટીમ કોલ ભરીને અનલોડ કરવા આવતા જહાજમાં ભારે નુકસાન થયું છે. મળતી વિગતો મુજબ ભારે ટક્કરથી જહાજના આગળના ભાગમાં  ભારે નુકસાન થયું હતું જેના કારણે  પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. બનાવની જાણ થતાં પોર્ટ પ્રશાસન દ્વારા ત્વરિત  પગલાં ભરવામાં આવ્યાં હતાં. તુણાથી એક ટગ, હાર્બર માસ્ટર અને પાઈલોટને તાત્કાલિક પોર્ટ પ્રશાસન દ્વારા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બે પોર્ટ ટગ અને બે કોસ્ટગાર્ડ જહાજો નજીકમાં જ તેનાત કરાયા છે. જો કે, આ બનાવમાં જહાજમાં સવાર તમામ 24 ક્રૂને બચાવી લેવાયા હતા. જો કે, આ ઘટનાથી  મહાબંદરની કામગીરીને કોઈ અસર પડી નથી. દરમ્યાન જહાજી દુર્ઘટનાની તપાસ કરતાં અને દરિયાઈ આર.ટી.ઓ. તરીકે ઓળખાતા મર્કન્ટાઈલ મરીન ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવાયો છે. ગાંધીધામ સ્થિત એમ.એમ.ડી.ના  અધિકારી દ્વારા આ દુર્ઘટના મામલે ડાયરેકટર જનરલ  શિપિંગ સાથે તાત્કાલિક બેઠક કરવામાં આવી હતી. ત્યાર બાદ જહાજના એજેન્ટ સહિતનાઓને આગામી 6 કલાકમાં ક્રૂની સલામતીના પગલાં લેવા, દરિયાઈ પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવા અને જહાજને સલામત રીતે ટો કરીને સલામત સ્થળે લઈ જવા તેમજ આ દરમ્યાન રાહમાં ઊભેલા અન્ય જહાજોને કોઈ નુકસાન  ન થાય તેની તકેદારી રાખવા સહિતના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. જહાજમાં થયેલા નુકસાનના કારણે  ઓઈલ લીકેજ થયું  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ તે બાબત ગંભીર ન હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. હાલ જહાજને સલામત રીતે બહાર  લાવવાની કાર્યવાહી જારી છે. મળતી વિગતો મુજબ જહાજમાં ભરેલા 85,968 મેટ્રિક ટન કોલસાને ખાલી કરવા માટેની કામગીરી થઈ શકે તેવી   સ્થિતિ નથી, જેથી જહાજને ટો કરીને  અન્યત્ર લઈ જવું પડે તેમ છે. આગળ આ બનાવમાં શું થાય  છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. જહાજને ઓટીબીમાંથી ડીપીએના પાઈલોટ લઈ જતા હોય છે. આ જહાજને પણ પોર્ટ પાઈલોટ લઈ પોર્ટ ઉપર લઈ આવતા હતા, જ્યારે આ જહાજની ટક્કર થઈ ત્યારે  નજીકથી જ રિશી શિપિંગનું બાર્જ પસાર થતું હતું. બાર્જમાં રહેલા ક્રૂ દ્વારા અકસ્માતગ્રસ્ત જહાજના ક્રૂને બચાવી  લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. - અકસ્માતગ્રસ્ત જહાજ બે મીટર દરિયામાં ઘૂસી ગયું : ગાંધીધામ, તા. 11 : કંડલા ઓટીબી ખાતે  કોલસા ભરેલા જહાજની ચોખા ભરેલા જહાજ સાથે ટક્કર થઈ હતી. ભારે નુકસાનથી જહાજમાં પાણી ભરાવાનું ચાલુ થયું છે. જેના કારણે એન્જિન રૂમ સુધી પાણી  ભરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, હાલ જહાજ સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઓ સીલ્વેજ રેસ્કયૂ સહિતની ટીમ પણ આવી પહોંચી છે, પરંતુ પાણી ભરાવાના કારણે જહાજ  બે મીટર અંદર  ઊંડું ઊતરી ગયું છે. કચ્છના અખાતમાં બે જહાજની ટક્કરની ઘટના બાદ  બંને જહાજોને બહાર કાઢવામાં ચાર દિવસ જેટલો  સમય લાગ્યો હતો. આ ઘટનામાં આગળ શું થાય છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.- કેપ્ટન, ચીફ  ઈજનેર સહિત પાંચ અધિકારી જહાજ ઉપર : ગાંધીધામ, તા. 11 :  ઓટીબી પાસે બે જહાજની ટક્કર બાદ કોલસા ભરેલા શિપના  સાઈડ શેલને ભારે નુકસાન થયું છે. ઘટના બાદ તમામ ક્રૂને બચાવી લેવાયા હતા, પરંતુ  કેપ્ટન, બે ચીફ એન્જિનીયર, ચીફ ઓફિસર સહિત પાંચ અધિકારીઓ હજુ સુધી જહાજ ઉપર જ છે. તેઓ  જહાજના માલિકના નિર્દેશની રાહ જોઈ રહ્યા છે. - ગ્રીસથી પોર્ટ કેપ્ટન આવશે : મધરાત્રે પવન અને ભરતી ઉપર રખાતી સતત નજર : ગાંધીધામ, તા. 11 :   કંડલા ઓટીબી પાસે ટક્કરથી અકસ્માતગ્રસ્ત જહાજ હાલ યથાસ્થિતિમાં છે. હવે મધરાત્રિના સર્જાનારી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.  શિપના તમામ 24 ક્રૂને  રિશી શિપિંગ અને જહાજના એજન્ટ દરિયા શિપિંગના સ્ટાફ દ્વારા બચાવવામાં આવ્યા હતા. હાલ તમામ ક્રૂ કોસ્ટગાર્ડના ટગમાં સુરક્ષિત છે. ઘટના બની ત્યારથી અત્યાર સુધી જહાજ એન્જિનરૂમમાં પાણી ભરાવાના કારણે અંદર ઊતર્યું છે, પરંતુ રાત્રિના પવન અને ત્રણથી ચાર કલાકની ટાઈડના કારણે વધુ કોઈ પરિસ્થિતિ  ન બગડે તેના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ કોસ્ટગાર્ડનું જહાજ, ડીપીએની ટગ તેમજ રિશી શિપિંગના બે બાર્જ  સતત અકસ્માતગ્રસ્ત જહાજની નજીક જ છે. દરિયા શિપિંગનો  એક સ્ટાફ પણ સતત સંપર્કમાં છે. ગ્રીસથી પોર્ટ કેપ્ટન બપોરે અમદાવાદ આવી  સાંજે કંડલા પહોંચશે ત્યાર બાદ શું કરવું તે અંગે નિર્ણય લેવાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd