મુંદરા, તા. 23 : મુંદરા પોર્ટ પરથી નિકાસ કરાયેલા
બાસમતી ચોખાના વેપાર વ્યવહારમાં દુબઈની કંપનીએ શિપિંગ કંપની અને કસ્ટમ એજન્ટ સાથે મળીને
1.37 કરોડની છેતરપિંડી કર્યાનો બનાવ
પોલીસ ચોપડે ચડયો છે. મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ હાથ
ધર્યો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળેલી વિગત અનુસાર ગત મે મહિનામાં બનેલા આ
કિસ્સા બાબતે હરિયાણાની કંપની વતી ફરિયાદી પુલકિત મિત્તલએ દુબઈ તથા ભારતીય પેઢીઓના
સબંધિત કર્મચારીઓ સામે છેતરાપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. હરિયાણાના કરનાલના રહેવાસી પુલકિત મિત્તલ
અને તેમનો પરિવાર દુલારી ફૂડ્સ નામે રાઈસ પ્રોસાસિંગ અને એક્સપોર્ટનો વ્યવસાય કરે છે.
જાન્યુઆરીમાં દુબઈ ખાતે `ગલ્ફ ફૂડ્સ' પ્રદર્શનમાં તેમનો પરિચય ઝમઝમ અલભર ફિશ ટ્રાડિંગના
પ્રતિનિધિઓ સાથે થયો હતો. એપ્રિલમાં બંને કંપની વચ્ચે પ્રતિ ટન 980 ડોલરના ભાવે 150 ટન બાસમતી ચોખા ખરીદવાનો સોદો
થયો હતો. આ સોદા મુજબ ઝમઝમ કંપનીએ એડવાન્સમાં 2,000 ડોલર ચૂકવ્યા હતા, જ્યારે બાકીની રકમ ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવ્યું
છે. ફરિયાદીએ 3,750 નંગ ચોખાની
બોરી મુંદરા પોર્ટ પર મોકલી હતી. એક્સપોર્ટ અને કસ્ટમ ક્લીયરન્સની કાર્યવાહી બાદ છ
કન્ટેનરમાં ચોખા દુબઈ મોકલવામાં આવ્યા હતા. ફરિયાદી કંપની અને તેની બેન્કને બિલ ઓફ
લેન્ડિંગ સહિતના જરૂરી દસ્તાવેજો મળ્યા નહોતા. લાંબા સમય સુધી આ માટેની કોઈ કાર્યવાહી
ન કરાતાં અંતે પોલીસ ફરિયાદ નેંધાવવામાં આવી છે.