ગાંધીધામ, તા. 27 : અંજાર પંથક અને પદદ્ધર સીમના જુદા-જુદા વિસ્તારોની વાડીઓમાં
વાયર ચોરીના બનાવો ઊંચકયા હતા. આ ગુનાનું પગેરું મેળવવા માટે પોલીસે સતત દોઢ મહિના
સુધી વ્યાયામ આદર્યા બાદ સફળતા મળી હતી. અંજાર પોલીસે વાયર ચોરી કરતી ટોળકી પૈકીના
ત્રણ આરોપીને પકડી કુલ 38 ચોરીનો ભેદ
ઉકેલ્યો હતો. - પોલીસે ચાર ટીમ બનાવી : છેલ્લા કેટલાક
સમયથી અંજાર તાલુકાના રતનાલ તથા પદ્ધર તેમજ
દુધઈ વિસ્તારમાં વાડીઓમાંથી મોટા પ્રમાણમાં
કેબલ ચોરી થતી હોવાની ફરિયાદો પોલીસ સમક્ષ આવવાનુ ચાલુ થયુ હતું, જેને લઈને પોલીસની ચાર ટીમે જુદી-જુદી
દિશામાં તપાસ આરંભી હતી. - શ્રમિકના
વેશમાં રાત્રિથી સવાર સુધી વોચ રાખી : અંજાર પેલીસની ટીમે રતનાલ વાડી વિસ્તારમાં શ્રમિક જેવા
વેશમાં રાત્રિના 10 વાગ્યાથી
સવારે 5 વાગ્યા સુધી બાવળની ઝાડીઓમાં સમય પસાર કરીને
વાયર ચોરીના ગુનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડયા હતા. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે આજે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર-દુધઈ અને પદ્ધર પોલીસ મથકનાં જુદાં-જુદાં ગામના વાડી વિસ્તારમાં વાયર
ચોરીના જુદા-જુદા 38 ગુનાનો ભેદ
ઉકેલાયો છે. વાયર ચોરીની ટોળકીમાં સામેલ પૈકીનો
આરોપી જાકબ આમદ સમા (રહે. જૂના દેઢિયા, તા. ભુજ), ભંગાર અને ચોરીનો
માલ લેનારા આરોપી મામદ ઈશાક કુંભાર (હેમલાઈ ફળિયુ, અંજાર) તથા
અબ્દુલ ઉર્ફે બચ્ચન ઈશાક કુંભાર (રહે. હેમલાઈ ફળિયું, અંજાર)ની
ધરપકડ કરાઈ હતી. - ચોરાઉ કેબલ
સહિતનો મુદ્દામાલ કબજે : તહોમતદારો પાસેથી કોપર વાયર 425 કિ. ગ્રામ કિં. રૂા. 2,76,250, મોટરસાઈકલ જીજે-12-ઈબી-3506 કિં. રૂા. 25 હજાર, ફોર વ્હીલર શેવરોલેટ સ્પાર્ક જીજે-12-એકે-1423 કિં. રૂા. એક લાખ સહિત કુલ
રૂા. 4,1,250નો મુદ્દામાલ હસ્તગત લેવામાં
આવ્યો હતો. - વાયર કાપીને સળગાવી નાખતા હતા
: પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, આરોપીઓ મોટરસાઈકલ અને ગાડીમાં આવીને અવાવરું જગ્યાએ વાહન ઊભું રાખીને એક ઈમસ રાત્રિના અલગ-અલગ ખેતરોના બોરના કેબલો કટર
વડે કાપીને આજુબાજુમાં છોલી કેબલ સળગાવી નાખતા
હતા. ત્યારબાદ બાકી રહેલ કોપર એકત્રિત કરી
ભંગારના વાડામાં વેચતા હતા. આરોપીઓ છેલ્લાં
એક વર્ષથી આર્થિક ફાયદા માટે આ પ્રકારનું કૃત્ય
કરતા હતા. - આરોપીઓનો
ગુનાહિત ઈતિહાસ : કાયદાના સંકજામાં
આવેલા આરોપી જાકબ વિરુદ્ધ પદ્ધર, માનકૂવા,
ભુજ બી-ડિવિઝન સહિતનાં સ્થળોએ
ચોરી સહિતના 11 જેટલા ગુના
નોંધાઈ ચૂકયા છે. આ ઉપરાંત સંતરામપુર પોલીસ મથકના હત્યાના ગુનામાં અદાલતે આજીવન કેદની
સજા ફરમાવી હતી. આરોપીએ 28 મહિના જેટલો
સમય જેલમાં પસાર કર્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આરોપી રજાક વિરુદ્ધ પદ્ધર, માધાપર, ખાવડા પોલીસ મથકમાં ચાર ગુના નેંધાયા છે તેમજ અન્ય આરોપી અબ્દુલ વિરુદ્ધ અંજાર પોલીસમાં ચોરીનો ગુનો નોંધાઈ
ચૂક્યો છે. વાયર ચોરીની તસ્કરીનાં પ્રકરણમાં સામેલ આરોપી રજાક જુસા સમા (રહે. જૂના
દેઢિયા, તા. ભુજ, હાલે રહે. લેર આશાપુરા
કંપની પાછળ, તા. ભુજ), સધિક રહેમાન સમા
(રહે. જૂના દેઢિયા, તા. ભુજ), શકુર અબ્દુલકરીમ
સમાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે. આ કામગીરીમાં અંજાર
પી.આઈ એચ.એ. જાડેજા તથા પી.એસ.આઈ. એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.