• ગુરુવાર, 28 મે, 2026

કચ્છને ફાળવાયેલી 20થી વધુ નવી એસટી બસ ટેકનિકલ ખામીનાં કારણે ધૂળ ખાય છે

ભુજ, તા. 27 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લગભગ 15 દિવસ પહેલા કચ્છ ડેપોને ફાળવાયેલી 20થી વધુ નવી બસ ટેકનિકલ ખામીના કારણે ધૂળ ખાતી ઊભી પડી છે. એક તરફ કચ્છમાં ડ્રાઇવર કન્ડક્ટરની ઘટના કારણે નવા રૂટ શરૂ કરી શકાતા નથી, તો બીજી તરફ નિગમ દ્વારા ફાળવવામાં આવેલી 20થી વધુ નવી એસ.ટી. બસમાં ટેકનિકલ ખામી હોવાથી તેને રસ્તા ઉપર ઉતારી શકાતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.   આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત પખવાડિયા દરમિયાન રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કચ્છ જિલ્લાને 20થી 25 જેટલી નવી બસ ફાળવવામાં આવી છે, પરંતુ આ બસોમાં ટેકનિકલ ખામી હોવાથી તેનો નવા શિડયુલ અથવા રૂટમાં ઉપયોગ થઈ શકતો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના આક્ષેપો મુજબ જો બસોમાં ટેકનિકલ ખામી હતી, તો શા માટે સ્વીકારવામાં આવી એવો સવાલ ઊઠી રહ્યો છે. વળી, આ બી-6 બસો સેન્સરવાળી હોવાથી તેના જાણકાર ટેકનિશિયનો કંપનીમાંથી આવ્યા બાદ રિપેર થઈ શકે તેમ છે, પરંતુ ટેકનિશિયનો પણ આટલા દિવસથી શા માટે નથી આવતા તે એક મોટો સવાલ છે. દરમિયાન આ અંગે એસટીના વિભાગીય નિયામકનો સંપર્ક સાધતાં તેમનો ફોન રિસીવ થઈ શક્યો  ન હતો.  

Panchang

dd