ગાંધીધામ, તા. 14 : ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં મકાનની બહાર મોબાઇલ ઉપર આઇ.પી.એલ. ક્રિકેટ મેચ
ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ પ્રકરણમાં અન્ય ચાર શખ્સોનાં નામ જાહેર
થયાં હતાં. ભચાઉના વર્ધમાનનગરમાં રહેનાર હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા નામનો શખ્સ પોતાના
ફૂલવાડી વિસ્તારમાં આવેલા મકાનની બહાર ઓટલા પર બેસીને ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો.
આ અંગે પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ શખ્સને પોલીસે
દબોચી લીધો હતો. તે મોબાઇલ ઉપર સી.આર.ઇ.એક્સ. નામની એપ્લિકેશન થકી આઇપીએલની રોયલ ચેલેન્જર્સ
અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. આ શખ્સ પાસેથી એક ડાયરી જપ્ત
કરવામાં આવી હતી. પપુ,
બી.જી., ઠક્કર, એલ.બી.આઇ.,
લાલો વગેરે નામ તથા રકમના આંકડા લખેલા હતા. આ કોનાં નામ છે તેવું પોલીસે
પૂછતાં પપુ એટલે પ્રવીણ મણકા, બી.જી. એટલે ભરતદાન ગઢવી,
જીપી એટલે ગૌતમ અશોક સોઢા, ઠક્કર એટલે જીતુ મોહન
ઠક્કર હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. પકડાયેલા હરદેવસિંહ વાઘેલા પાસેથી મોબાઇલ,
ડાયરી, પેન, રોકડ રકમ મળીને
કુલ રૂા. 20,100નો
મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેણે આઇ.ડી. ક્યાંથી મેળવી તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે
હાથ ધરી છે.