ગાંધીધામ, તા. 5 : ભચાઉથી
ખારોઈ જતા માર્ગ પર આવેલી એક કંપનીમાં ખાલી થવા આવેલ રૂા. 1,34,000ના
યુરિયાની 70 થેલી પોલીસે જપ્ત કરી બે શખ્સોને પકડી પાડયા હતા. વાગડ અને
અંજાર આસપાસ યુરિયા ખાતરનો બારોબાર વેપલો થતો હોવાના અગાઉ આક્ષેપ થયા છે અને
ખેડૂતોએ આવાં વાહનો પણ પકડી પાડીને તંત્રોને સોંપ્યાં છે. તેવામાં ફરી એક વખત
યુરિયાકાંડ બહાર આવ્યો છે. ભચાઉ-ખારોઈ જતા માર્ગ પર આવેલી અને પ્લાય વગેરે બનાવતી
તીર્થ ઈન્સ્ટ્રીઝ નામની કંપનીમાં સબસિડીવાળું ખાતર ખાલી થવાનું છે તેવી પૂર્વ
બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ કંપનીમાંથી સફેદ રંગનું પિકઅપ ડાલુ
નંબર જી.જે.-12-વાય-3470વાળું મળી આવ્યું હતું. જેમાં
ભરેલા માલ અંગે ત્યાં ઊભેલા બે શખ્સો પાસેથી આધાર-પુરાવા મગતાં તે આપી શક્યા
નહોતા. દરમ્યાન કકરવાના ચાલક મોમાય વેરા ઉંદરિયા તથા કંપનીના પ્લાન્ટ ઓપરેટર મહમદ
તસલીન તૈયબઅલી અંસારી (રહે. ભચાઉ)ને પોલીસે પકડી પાડયા હતા. આ વાહનમાંથી રૂા. 1,34,000ના
સબસિડીવાળા યુરિયાની 70 બોરી કબજે કરવામાં આવી હતી.
પકડાયેલા બન્નેની પૂછપરછ દરમ્યાન આ ખાતર ચોબારીના ભરત આહીરે મોકલાવ્યું હતું તેમજ
કંપનીના માલિક ભાવેશ મહેતા અને મેનેજર સિદિક ખત્રી હોવાનું બહાર આવ્યું હતું. આ
આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ખાતરના નમૂના લઈ ખેતીવાડી
અધિકારીઓને જાણ કરી હતી. ત્યાંથી નમૂનાના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ
ધરવામાં આવશે.