ગાંધીધામ, તા. 5 : શહેરની
વચલી બજાર પાસે આવેલી એક દુકાનમાં વેપારીની નજર ચૂકવીને ટાબરિયાઓએ ગણતરીની
મિનિટોમાં રૂા. 30,000નો હાથફેરો કરીને નાસી ગયા હતા. શહેરની
કરાચી સાયકલ નામની દુકાનમાં આજે બપોરે આ બનાવ બન્યો હતો. વેપારી પાસે મોટી બાળકીઓ
સહિત ત્રણ-ચાર ટાબરિયા આવ્યા હતા. આ ટાબરિયાઓએ બેબી વોકના ડિસ્પ્લે બાજુ આંગળી કરી
તે બતાવવા કહ્યું હતું. દરમ્યાન બે-ત્રણ બાળકો ગલ્લાને આડા ઊભા રહી ગયાં હતાં અને
બાદમાં ગલ્લામાંથી રૂા. 30,000નો હાથફેરો કર્યો હતો. બનાવને
અંજામ આપી આ ટાબરિયા ટોળકી તિવ્ર ગતિએ ચાલતી નીકળી ગઈ હતી. બનાવની જાણ પોલીસને
કરાઈ હતી તેમજ પોલીસના સી.સી.ટી.વી. કેમેરા તપાસાય તો આ ટાબરિયા ટોળકીની ઓળખ થાય
તેમ હોવાનું દુકાનના સંચાલક હિતેશભાઈએ જણાવ્યું હતું.