• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણનો આરોપી ફરાર થતાં નવો વળાંક

ભુજ, તા. 5 : રાજ્યભરમાં ભારે ચકચાર જગાડનારાં મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ પૈકીનો પોલીસ કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ ટૂંકાગાળાના 10 દિ'ના જામીન પર છૂટયા બાદ હાજર ન થતાં નવો વળાંક સામે આવ્યો છે. ચકચારી આ કેસમાં મુખ્ય આરોપીઓ એવા શક્તિસિંહ, અશોક લીલાધર કનાદ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલા બનાવ બાદ નાસી છૂટયા હતા. ગુજરાત અને રાજ્ય બહારની પોલીસ તેની શોધખોળમાં હતી. 65 દિવસ બાદ આ આરોપીઓ હાજર થયા હતા. જે-તે સમયે મુંદરા પોલીસના ડી-સ્ટાફના વડા એવા આરોપી શક્તિસિંહ ગોહિલે થોડા સમય પૂર્વે ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાના જામીનની માગણી કરતાં તા. 24/12થી 2/1 સુધી 10 દિવસના જામીન મંજૂર કર્યા હતા. 3/1ના પાલારા ખાસ જેલમાં હાજર ન થતાં જેલરે ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ, એડિશનલ સેશન્સ જજ ભુજ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડાને તા. 4/1ના આરોપી હાજર ન થયાની જાણ કરી આ ફરાર આરોપીની ધરપકડ કરવા વિનંતી કરતો રિપોર્ટ કર્યો હતો. ખાસ સરકારી વકીલ અનિલભાઇ આર. દેસાઇ દ્વારા પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો છે. આ કેસમાં મહત્ત્વના આરોપી એવા શક્તિસિંહ, અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલાની દલીલો કોર્ટમાં ચાલુ છે, તેવા જ તબક્કે આરોપી શક્તિસિંહ ફરાર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

Panchang

dd