• રવિવાર, 04 મે, 2025

પૂર્વ કચ્છમાં બે સ્થળે પોલીસ ઉપર હુમલો

ગાંધીધામ, તા. 2 : સરહદી એવા ખડીર પોલીસમાં પગી તરીકે ફરજ બજાવતા એક યુવાનને બે શખ્સ ગાડીમાં બેસાડી રોડ ટુ હેવન બાજુ લઇ જઇ તેના ઉપર પાઇપ-લાકડી વડે હુમલો કર્યો હતો. આ બંને શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બીજીબાજુ પડાણામાં દારૂની કાર્યવાહી કરવા ગયેલ પોલીસ સાથે ઝપાઝપી કરી કારથી ઉડાવી દેવાની ધમકી આપતાં બૂટલેગરને પકડી પાડવામાં આવ્યો હતો. ધોળાવીરામાં રહેનાર મનુ આચાર પરમાર નામના યુવાન ખડીર પોલીસ મથકે છેલ્લા ચાર વર્ષથી પગી તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે ધોળાવીરા ચેકપોસ્ટ પર જી.આર.ડી. ગોવિંદ નારાણ પરમાર સાથે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જેલ પોલીસમાં ફરજ બજાવનાર સમરથસિંહ હેમુભા જાડેજા અને શક્તિસિંહ જીલુભા સોઢા નામના શખ્સો કાર લઇને ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ ફરિયાદીને પોતાની સાથે આવવાનું કહી તેને રોડ ટુ હેવન બાજુ લઇ ગયા હતા જ્યાં આ શખ્સોએ ચેકપોસ્ટ પર ભેદભાવ રાખો છો. રામચરણ રિસોર્ટના માલિક નવલસિંહ સોઢા, કુલદીપસિંહ જાડેજા વારંવાર ચેકપોસ્ટ પર આવતા હોવાનું કહેતાં ફરિયાદીએ પોતે પોતાની ફરજ બજાવતા હોવાનું કહેતાં આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને પ્લાસ્ટિકની લાકડી તથા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને નવલસિંહ, કુલદીપસિંહ ચેકપોસ્ટ પર દેખાવા ન જોઇએ નહિતર ગમે ત્યારે પતાવી નાખવાની ધમકી આપી પરત ચેકપોસ્ટ મૂકીને ત્યાંથી નીકળી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજીબાજુ પડાણા નજીક પંજાબ હોટેલના પાર્કિંગ આગળ સર્વિસ રોડ પર દારૂની કાર્યવાહી કરવા પોલીસ ગઇ હતી ત્યારે મોપેડ પર આવેલા જયપાલસિંહ ઉર્ફે શિવમ ફતુભા જાડેજાએ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને બિયર આપીને નાસી ગયો હતો. આ કિશોરને પકડી તેની પાસેથી બિયરના ત્રણ ટીન જપ્ત કરાયા હતા. તેને બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જતાં રસ્તામાં બૂટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલાએ પોતાની કાર પોલીસના ખાનગી વાહન આગળ રાખી દઇ કિશોરને છોડાવવાની કોશિશ કરી પોલીસ સાથે ધક્કામુક્કી, ઝપાઝપી કરી હતી અને આજે કેસ કરશો, બીજી વખત પડાણા આવશો તો ગાડીથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ શખ્સને પણ પકડી લઇ પોલીસ મથકે લઇ જઇ તેના વિરુદ્ધ અલાયદી ફરિયાદ નોંધવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd