• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અંજાર યોગેશ્વર ચોકડીએ વધુ એક જિંદગી હોમાઈ

અંજાર, તા. 9 : શહેરના યોગેશ્વર ચોકડી પાસે  વધુ એક વખત માતેલા સાંઢ સમા ભારે વાહને દ્વિચક્રી વાહનને હડફેટે લેતાં ટ્રાફિક  પોલીસમાં જ ફરજ બજાવતા  કર્મચારીની પુત્રી 16 વર્ષીય  રાજવીબા વનરાજસિંહ  સોલંકીનો જીવનદીપ બૂજાઈ ગયો હતો. આ બનાવની કરુણતા એ છે કે, બનાવ બાદ આ જ ઘટના સ્થળે પિતા ટ્રાફિક નિયમન ફરજમાં લાગી ગયા હતા અને અડધા કલાક બાદ ખબર પડી કે, આ અકસ્માતમાં તેમની જ પુત્રી મોતને ભેટી છે, આથી તેઓ ત્યાં જ ભાંગી પડયા હતા અને કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસ કર્મચારીઓ પણ ગમગીન બન્યા હતા. આ અકસ્માતના બનાવના પગલે વધુ એક વખત  રસ્તા ઉપર ઊતરીને  ભારે વાહનના જાહેરનામાના અમલીકરણમાં પોલીસ તંત્રની લાપરવાહી સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરાયો હતો.  જો કે, આ બનાવ બાદ  પરિસ્થિતિને  કાબૂમાં લેવા  બળપ્રયોગ કરાતાં પરિસ્થિતિ વણસી હતી. લોકોના આંદોલનરૂપી આક્રોશના પગલે ચારેક કલાક બાદ મામલો થાળે પડયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ આ  બનાવ આજે વહેલી સવારના આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી સગીરા  સહિત બે બાળકી શાળાએ જતી હતી, આ દરમ્યાન યોગેશ્વર ચોકડી પાસે  કળશ સર્કલ તરફથી આવતા યમદૂત સમા ડમ્પરના ચાલકે દ્વિચક્રી વાહનને હડફેટે લીધું હતું.  અકસ્માતમાં બન્ને બાળકીને માથા સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ  સારવાર મળે તે પૂર્વે  રાજવીબા સોલંકીએ દમ તોડી દીધો હતો. ભારે વાહન હડફેટે વધુ એક માનવજિંદગી રગદોળાતાં લોકોનો  આક્રોશ ભભૂકી ઊઠયો હતો અને સેંકડો લોકોના ટોળાએ  ચક્કાજામ  કરી નાખ્યો હતો, જેના કારણે ત્રણેક કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. લોકોએ  ચોકડી  પાસે રામધૂન બોલાવી હતી.રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનારા ડમ્પર અને અન્ય નાના મોટા 10થી 15 જેટલા વાહનની હવા જ કાઢી નાખી હતી. લોકોએ ઘટના સ્થળે ભારે વાહનોની અમલવારીમાં પોલીસની ઢીલી નીતિ સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો અને અહીંથી એક પણ ભારે વાહન પસાર ન થાય તેવી પ્રબળ માંગ કરી હતી. બનાવના પગલે અંજાર પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ ધસી ગયા હતા. ચારેક કલાક સુધી લોકો ટસના મસ ન થતાં ભીડ વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ દરમ્યાન એક તબક્કે તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતના બનાવનાં  હસ્તી  બિપિન જોષીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ટ્રેલરચાલકને ઝડપી  પાડવા માટે  કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ  માર્ગ ઉપર વર્ષ 2008થી લોકો ભારે  વાહનની પ્રવેશબંધી સામે   આંદોલનો કરી રહ્યા છે. બે મહિના પૂર્વે જ રાત્રિના સમયે ડમ્પર હડફેટે નોકરીએથી પરત જતા યુવાને જીવ ગુમાવ્યો હતો ત્યારે પણ લોકોએ  ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આ બનાવની કરુણતા એ છે કે, આ ગોઝારા અકસ્માતના પગલે ટ્રાફિકજામ થતાં ટ્રાફિક નિયમનની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓમાં હતભાગી રાજવીબાના પિતા વનરાજસિંહ સોલંકી પણ જોડાયા હતા. આ કામગીરીના અડધા કલાક બાદ તેમને ખબર પડી કે, આ અકસ્માતમાં તેમની જ લાડકવાયી પુત્રી રાજવીબા ભોગ બની છે. આથી તેઓ ઘટના સ્થળે જ ભાંગી પડયા હતા અને તેમના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. સહકર્મચારી વનરાજસિંહ પર આભ તૂટી પડયાના આ કરુણ બનાવને લઈ સાથે પોલીસ કર્મચારીઓ પણ ગમગીન બન્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang