ભુજ, તા. 20 : નેટ
બેન્કિંગ મારફત જાણ બહાર જ રૂા. 4,45,394ની લોન મંજૂર કરાવી તેમજ
ખાતામાંથી રૂા. 54,606 મળી કુલ પાંચ લાખ આરટીજીએસથી આરોપીઓએ
ટ્રાન્સફર કરાવી ઠગાઈ કર્યાનો ગુનો મુંદરા પોલીસ મથકે નોંધાયો હતો. આ ફ્રોડ કરનાર
સાયબર ગેંગના બે આરોપીને ઓરિસ્સા જઈ મુંદરા પોલીસે ઝડપી પાડયા છે. સાયબર ફ્રોડના
આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના મળતાં મુંદરાના પી.આઈ. આર.જે.
ઠુમ્મરે સાયબર ક્રાઈમના ગુનાની તપાસ દરમ્યાન મુંદરાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ
ઓરિસ્સાના ભદ્રક જિલ્લાના રહેવાસી હોવાનું જણાઈ આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી
મેળવી ટીમને ત્યાં મોકલાવાઈ હતી. મુંદરાની તપાસ ટીમે ત્યાં તપાસ કરતાં સાયબર ફ્રોડ
કરતી ગેંગનો મુખ્ય આરોપી એસ.કે. રોકી હોઈ જે સાયબર ફ્રોડ કરતા આરોપી એસ.કે. નિયાઝ
મારફતે અલગ-અલગ માણસોના બેન્ક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ભાડે લઈ નિર્દોષ લોકોને
નિશાન બનાવી શિકાર કરાતો હતો. જે સાયબર ફ્રોડ કરેલા રૂપિયા બેન્કમાંથી કેસ
ઉપાડવામાં પકડાયેલા આરોપી એસ.કે. સાહિલ સ/ઓફ એસ.કે. લાલુ શેખ મદદ કરતો હતો. આ
કામના પકડાયેલા આરોપીઓ ચાલાક અને ચબરાક હોઈ સાયબર ફ્રોડના ગુનાને અંજામ આપી ફ્રોડ
કરવા ઉપયોગમાં લીધેલા મોબાઈલ ફોન બંધ કરી તથા સીમકાર્ડ બદલાવી દેતા તેમજ ભાડેથી
લીધેલા એકાઉન્ટ બંધ કરી દેતા હોવાથી આ કામે ઓરિસ્સા મોકલાવેલ પોલીસ તપાસ કરી રહી
હતી તેની ખબર પડે તે રીતે ખંતપૂર્વક તપાસ કરી સાયબર ફ્રોડ કરતી ગેંગના બે આરોપી
એસ.કે. સાહિલ સ/ઓફ એસ.કે. સબીર (શેખ) તથા એસ.કે. ગોહિલ સ/ઓફ એસ.કે. લાલુ શેખ ભદ્રક
ખાતે અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી પાડી હસ્તગત કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી
કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે.