ગાંધીધામ / ભુજ, તા. 10 : કંડલામાં ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ઊભેલા અનિલ ઉર્ફે દેવા વેલજી ભરવાડ (ઉ.વ. 37)ને અજાણ્યાં વાહને હડફેટમાં લેતાં આ યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો, જ્યારે ધ્રબમાં માર્ગ પર હાઇડ્રો મશીન તળે અજાણ્યો 40થી 45 વર્ષનો ભિક્ષુક કચડાતાં મોતને ભેટયો હતો. ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં રહેનારા અનિલ ઉર્ફે દેવા નામનો યુવાન ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનું કામ કરતો હતો. આ યુવાન ગત તા. 9/6ના વહેલી પરોઢે કંડલા ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ગાંધીધામ જતા રોડ, પુલિયા ઊતરવાની જગ્યાએ ઊભો હતો, દરમ્યાન કોઇ અજાણ્યાં વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ?જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આ યુવાનના પત્ની મીનાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજીતરફ ગત તા. 8/6ના રાતે 8.30 વાગ્યાના અરસામાં મુંદરાના ધ્રબ માર્ગે અદાણીથી મીઠાણી કોલોની તરફ જતા રસ્તે હાઇડ્રો મશીન નં. જી.જે. 12 એ.એમ. 1964વાળાના ચાલકે હાઇડ્રો મશીન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી અજાણ્યા પુરુષ (40થી 45 વર્ષ)ને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું ઘટનાસ્થળે મોત થતાં ધ્રબના ઇસ્માઇલ રશીદ જમાદારે મુંદરા પોલીસ મથકે હાઇડ્રો મશીનના ચાલક વિરુદ્ધ આજે ફરિયાદ નોંધાવી છે. અકસ્માતમાં ભોગ બનનારો અજાણ્યો શખ્સ અહીં ભિક્ષુક તરીકે રખડતો-ભટકતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.