• શુક્રવાર, 28 માર્ચ, 2025

આજે બીજી વન-ડે : ભારતનું લક્ષ્ય શ્રેણીજીત

કટક, તા. 8 : પ્રથમ મેચની આક્રમક જીતથી ઉત્સાહિત ટીમ ઈન્ડિયા અહીંના બારામતી સ્ટેડિયમ પર રવિવારે રમાનારી બીજી મેચમાં વિજયના નિર્ધાર સાથે વન-ડે શ્રેણી 2-0ની અપરાજિત સરસાઇથી કબજે કરવાની કોશિશ કરશે. બીજી તરફ પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીવંત રાખવાનો પડકાર રહેશે. ટીમ ઇન્ડિયાની ચિંતા કપ્તાન રોહિત શર્માનું કંગાળ ફોર્મ છે. આ ઉપરાંત અનફિટ વિરાટ કોહલીની વાપસી પણ રડારમાં રહેશે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ હવે માત્ર બે વન-ડે રમવાની બાકી રહી છે, જેમાં ટીમ ઇન્ડિયાના બે આધારસ્થંભ રોહિત-વિરાટ રન કરે તે ઘણું મહત્ત્વપૂર્ણ છે. આ બન્ને મહારથી તેમની કારકિર્દીના આખરી પડવા છે. ટી-20 વિશ્વવિજેતા બની ચૂક્યા છે અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરવાનું લક્ષ્ય રાખે છે. ભારતીય ઇલેવનમાં જો વિરાટ કોહલીની વાપસી થશે, તો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે જગ્યા ખાલી કરવી પડશે. આ સ્થિતિમાં કપ્તાન રોહિત શર્મા સાથે શુભમન ગિલે દાવનો પ્રારંભ કરતો જોવા મળી શકે છે. કે.એલ. રાહુલ પણ વિકલ્પ છે. નાગપુરમાં આકર્ષક અર્ધસદી કરનાર શ્રેયસ અય્યરને ચોથા નંબર પર ચાલુ રાખવામાં આવશે. ટીમ મેનેજમેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીના સંયોજનને ધ્યાને રાખીને વિકેટકીપર તરીકે કે.એલ. રાહુલને વધુ એક મેચમાં તક આપી શકે છે. આથી રિષભ પંતને બહાર બેસવું પડી શકે છે. પદાર્પણ મેચમાં ત્રણ વિકેટ લેનાર હર્ષિત રાણાનું તેનું ફોર્મ જાળવી રાખવા માગશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવની વાપસી નાગપુરમાં સાધારણ રહી હતી, જો વરુણ ચક્રવર્તીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા ઇચ્છતું હશે, તો તેને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીના આખરી બે વન-ડેમાં તક મળી શકે છે. આ મિસ્ટ્રી સ્પિનરે ટી-20 શ્રેણીમાં 13 વિકેટ લીધી હતી. બારામતી સ્ટેડિયમની પિચ પ્રમાણમાં ધીમી રહે છે. આથી ભારત ફરી રવીન્દ્ર અને અક્ષર સાથે ત્રણ સ્પિનર સાથે ઉતરી શકે છે. અક્ષરનો હરફનમૌલા ખેલ ટીમ ઇન્ડિયા માટે એકસ ફેક્ટર બન્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમ નાગપુરની હાર ભુલી કટકમાં બેઝબોલ સ્ટાઇલથી આક્રમક અંદાજમાં ક્રિકેટ રમવાની કોશિશ કરશે. પ્રથમ દાવની સ્થિતિમાં બટલરની ટીમ 300 ઉપરનો સ્કોર કરવા માગશે. મેચ બપોરે 1.30થી શરૂ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd