જેરુસલેમ, તા. 25 : વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના
એવા ઇઝરાયલના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલની સંસદ `નેસ્સેટ'ને સંબોધન દરમ્યાન પાકિસ્તાનને પણ
કડક સંદેશ આપી દીધો હતો. ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુએ મોદીનું ભાવભર્યું સ્વાગત
કર્યા બાદ બંને નેતાઓએ ખાનગી સ્તરે ટૂંકી વાતચીત કરી હતી અને પછી મોદીએ `નેસ્સેટ'ને સંબોધન દરમ્યાન જણાવ્યું હતું કે, ભારત પણ આતંકવાદથી
પીડિત છે એટલે અમે તમારી પીડા સમજીએ છીએ. ત્રાસવાદ મુદ્દે બેવડા ધોરણ ચાલી શકે નહીં.
ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન છે. આવતીકાલે
બંને દેશ વચ્ચે મહત્ત્વના કરાર થશે જેમાં ભારતને
આયરન ડોમ સુરક્ષા સિસ્ટમ મળવાની શક્યતા છે. મોદીએ કહ્યું હતું કે, `છેલ્લા કેટલાક વર્ષોથી, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા
રહી છે. અમે ટૂંક સમયમાં ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશું. છેલ્લા કેટલાક વર્ષોમાં,
ભારતે અન્ય દેશો સાથે અનેક મહત્ત્વપૂર્ણ વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા
છે. અમારી ટીમો મહત્ત્વાકાંક્ષી મુક્ત વેપાર સોદા (એફટીએ) માટે વાટાઘાટો કરવા માટે
સખત મહેનત કરી રહી છે.' વડાપ્રધાને જણાવ્યું હતું કે, `આ ભૂમિ સાથે ભારતનું જોડાણ લોહી અને બલિદાનથી પણ લખાયેલું છે.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, આ ક્ષેત્રમાં
4,000થી વધુ ભારતીય સૈનિકો શહીદ
થયા હતા.' મોદીએ કહ્યું હતું કે, ` યહુદી સમુદાય ભારતમાં અત્યાચાર કે ભેદભાવના
ભય વિના રહે છે. તેમણે પોતાના ધર્મોનું જતન કર્યું છે અને સમાજમાં સંપૂર્ણ રીતે ભાગ
લીધો છે.' `ભારતે સંયુક્ત
રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પામેલા ગાઝા શાંતિ પહેલને પોતાનું સમર્થન આપ્યું
છે. અમારું માનવું છે કે તે પેલેસ્ટિનિયન મુદ્દાના ઉકેલ સહિત પ્રદેશના તમામ લોકો માટે
ન્યાયી અને કાયમી શાંતિનું વચન ધરાવે છે. શાંતિનો માર્ગ હંમેશાં સરળ નથી હોતો, પરંતુ ભારત પ્રદેશમાં સંવાદ, શાંતિ અને સ્થિરતા માટે તમારી અને વિશ્વની સાથે ઊભું છે.' બેન્જામીન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને તેલ અવીવ એરપોર્ટે સ્વાગત કર્યું હતું.
બાદમાં પીએમ મોદીએ ઈઝરાયલી સંસદને સંબોધન કરીને ઈતિહાસ રચ્યો હતો. આ દરમિયાન સંસદમાં
મોદી મોદીના નારા લાગ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ભારત શાંતિદૂત
છે અને ગાઝા શાંતિ પહેલનું સમર્થન કરે છે. આ સમજૂતી ક્ષેત્રમાં ન્યાયપૂર્ણ અને સ્થાયી
શાંતિની આશા જગાડે છે. આ દરમિયાન મોદીને ઈઝરાયલી સંસદ કેન્સેટનું સર્વોચ્ચ સન્માન એનાયત
કરવામાં આવ્યું હતું. મોદીને સ્પીકર ઓફ ધ કેન્સેટ મેડલ એનાયત થયો હતો. આ દરમિયાન મોદીએ
કહ્યું હતું કે, ભારતની ટીમ એક મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર
વાતચીત માટે આકરી મહેનત કરી રહી છે. ભારત દુનિયામાં ઈકોનોમી કોરિડોર બનાવી રહ્યું છે.
ભારત માટે આખી દુનિયા એક પરિવાર છે. વડાપ્રધાન
મોદીએ આતંકવાદ ઉપર વરસતાં કહ્યું હતું કે, તેઓ મુંબઈ હુમલા ભુલ્યા
નથી અને સાતમી ઓકટોબરના ઈઝરાયલ ઉપર હમાસનો હુમલો પણ ભુલ્યા નથી. આતંકવાદ મુદ્દે ભારતનું
વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ મુદ્દે
બેવડું વલણ સ્વીકાર્ય નથી. ભારત પ્રાદેશિક સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત અબ્રાહમ
અકોર્ડના સમર્થનમાં છે. ભારતમાં યહુદી સમુદાય કોઈપણ ડર વિના રહે છે. યહુદી સમુદાયે
ભારતને સમૃદ્ધ કર્યું છે. મોદીએ કહ્યું હતું કે, ભારત અને ઈઝરાયલનો
સંબંધ 2000 વર્ષ જૂનો છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં
4000 ભારતીય સૈનિકોએ હાઈફામાં શહીદી
આપી હતી. યહુદી નરસંહારનો ઈતિહાસ કાળો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ ભારતના વડાપ્રધાન હોવાના નાતે 1.4 અબજ ભારતીયોની મિત્રતાનો સંદેશ
લાવ્યા છે. ઈઝરાયલની સંસદ કેન્સેટમાં પીએમ મોદી પોતાનું સંબોધન શરૂ કરવા જઈ રહ્યા હતા
ત્યારે જોરદાર સ્વાગત સાથે સૌએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. ઈઝરાયલના સ્પીકર આમિર ઓહાનાએ
નમસ્તે મોદી સાથે કહ્યું હતું કે, ભારતે
યહુદીઓને પોતાનું ઘર આપ્યું છે તેમજ ભારત ધરતી ઉપર ઝડપથી વિકસતો દેશ છે. આ અગાઉ વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ઈઝરાયલના પ્રવાસે તેલ અવીવ પહોંચતાં જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
હતું. ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્ની સારાએ પોતે તેલ અવીવના ગુરિયન
એરપોર્ટે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટે જ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
પીએમ મોદી નવ વર્ષ બાદ ઈઝરાયલ પહોંચ્યા છે. આ પહેલાં તેઓ 2017માં ઈઝરાયલ ગયા હતા. મોદીના
સંબોધન પહેલાં ઈઝરાયલની સંસદને ત્રિરંગાની રોશનીમાં રંગવામાં આવી હતી. જેની તસવીર પણ
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. ઈઝરાયલ પ્રવાસે રવાના થતાં પહેલાં પીએમ મોદીએ
કહ્યું હતું કે ભારત અને ઈઝરાયલ વચ્ચે મજબૂત રણનીતિક ભાગીદારી છે. જેમાં છેલ્લા અમુક
વર્ષમાં ઉલ્લેખનીય વિસ્તાર અને ગતિશિલતા જોવા મળી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી
કે નેતન્યાહુ સાથે થનારી વાતચીતથી બન્ને દેશ વચ્ચે વિભિન્ન ક્ષેત્રમાં સહયોગ અને મજબૂતી
જોવા મળશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, પ્રવાસ દરમિયાન ઈઝરાયલની સંસદ કેન્સેટને સંબોધિત કરવાનું સન્માન મળશે. જે બન્ને
દેશના મજબૂત લોકતાંત્રિક સંબંધોનું પ્રતીક હશે. તેઓ ઈઝરાયલની સંસદમાં સંબોધન કરનારા
પહેલા ભારતીય વડાપ્રધાન બનશે.