• શનિવાર, 06 જૂન, 2026

ભોજાયના આંગણે દર્શક ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

ભોજાય, તા. 5 : અહીં 13મી જૂનના સાંજે સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા મહાનુભાવોને સન્માનવા રચાયેલા દર્શક ફાઉન્ડેશનનો વર્ષ 2025નો એવોર્ડ અર્પણ સમારોહ યોજાશે, જેમાં મહિલાઓનાં સ્વાસ્થ્ય, માનસિક વિકલાંગ બાળકોને સ્વનિર્ભર કરવા માટે કાર્યરત અને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ભોજાય સર્વોદય ટ્રસ્ટને ગ્રામ પુનર્રચના એવોર્ડ તેમજ સમગ્ર સર્જનાત્મક લખાણ માટે સાહિત્યકાર મોહન પરમારને સન્માનિત કરાશે. તા. 13/6ના શનિવારે સાંજે 4:30 વાગ્યે સાહિત્યકાર રઘુવીર ચૌધરીના અધ્યક્ષસ્થાને ભોજાય સર્વોદય ટ્રસ્ટના પટાંગણમાં યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહમાં જાણીતા સાહિત્યકારો મનસુખભાઈ સલ્લા અને પ્રકાશભાઈ શાહ પ્રવચન આપશે. કાર્યક્રમમાં લાલ રાંભિયાની સ્તુતિ બાદ મહેન્દ્રસિંહ પરમાર ભૂમિકા બાંધશે. અજય રાવલ, મોહન પરમારનો, જ્યારે હરેશ ધોળકિયા ભોજાય સર્વોદય ટ્રસ્ટનો પરિચય આપશે. મોહન પરમાર અને લીલાધર ગડા `અધા' પોતાના પ્રતિભાવ વ્યક્ત કરશે. અધ્યક્ષીય ઉદ્બોધન રઘુવીર ચૌધરી આપશે, જ્યારે ડો. કૌશિક શાહ, મનસુખભાઈ સલ્લા અને પ્રકાશ શાહ પ્રારંભિક ઉદ્બોધન આપશે. કાર્યક્રમ બાદ સંગીત સંધ્યા યોજાશે. કાર્યક્રમનું સંચાલન રમજાન હસણિયા કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સાહિત્યરસિકોને મનુભાઈ પંચોળી `દર્શક' ફાઉન્ડેશન વતી પ્રમુખ મધુકર પારેખ અને ટ્રસ્ટીઓ પ્રકાશ ન. શાહ, રઘુવીર ચૌધરી, મનસુખ સલ્લા, મહેન્દ્રસિંહ પરમાર, અજય રાવલ અને સંજય ચૌધરીએ ઈજન આપ્યું છે. 

Panchang

dd