કોટડા (ચકાર), (તા. ભુજ), તા. 27 : ભુજોડી પાટિયાથી માધાપર પોલીસ
ચોકી સુધી જતા મુખ્ય હાઈવેની હાલત દિવસે ને દિવસે બિસમાર બનતી જઈ રહી છે, આ હાઈવેની એક સાઈડ પર બાવળ ઊગી નીકળ્યા છે અને
રેતીના ઢગલા જમા થઈ ગયા છે, જ્યારે બીજી તરફ રોડ પર મોટા ખાડાઓ
પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાંમુકાયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા હાઈવેનો માત્ર એક સાઈડનો રોડ બનાવવામાં આવ્યો
છે, જ્યારે બીજી સાઈડ ખાડાઓથી ભરેલી હાલતમાં જ મૂકાઈ ગઈ છે,
જેના કારણે વાહનચાલકો ખાડાઓથી બચવા માટે અચાનક સાઈડ બદલે છે અને પાછળથી
આવતાં વાહનો સાથે અથડામણ થવાની શક્યતા વધી રહી છે અને છેલ્લા લાંબા સમયમાં નાના-મોટા
અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવેની બાજુએ
વધેલા બાવળ અને રેતીના ગંજને કારણે સર્વિસ રોડ પરથી આવતાં નાનાં વાહનો સમયસર દેખાતાં
નથી. પવન સાથે ઊડતી રેતી બાઈકચાલકો માટે વધુ જોખમરૂપ બની રહી છે અને સ્લીપ થઈ પડવાના બનાવોની
ભીતિ સેવાઈ રહી છે. ભુજ જિલ્લા મુખ્ય મથકને જોડતો આ 24 કલાક ધમધમતો મુખ્ય હાઈવે હોવા
છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
છે. `મુખ્ય હાઈવેની આવી બિસમાર હાલત હોવા છતાં
તંત્ર કેમ મૌન?' તેવો સવાલ સ્થાનિકોમાં
ઊઠી રહ્યો છે. લોકોએ તાત્કાલિક અસરથી હાઈવે પરના ખાડાઓનું સમારકામ, બાવળ દૂર કરવાની કામગીરી તથા રેતીના ઢગલા સાફ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની
માંગ ઉઠાવી છે.