ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ સંકુલમાં વરસાદ પછી
ઠેર-ઠેર ભરાયેલાં વરસાદી પાણી અને ચોતરફ ફેલાયેલી ગંદકીના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ
વધતાં રોગચાળાનો ખતરો ઊભો થયો છે. ઉધરસ-શરદીના કેસ અને વાયરલ ઇન્ફેક્શન વધ્યું છે.
જો મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સ્વચ્છતા બાબતે તાકીદે ધ્યાન નહીં આપે, તો ડેન્ગ્યૂ, મેલેરિયા
સહિતનો રોગચાળો માથું ઊંચકે તેવી વકી છે. મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા ગાંધીધામના
શ્રમજીવી વિસ્તાર બાપા સીતારામનગર, કાર્ગો, આઝાદનગર, એકતાનગર, કાર્ગો પીએસએલ
સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયેલાં છે, તેમાં બળેલું ઓઈલ નાખીને આરોગ્યલક્ષી કામગીરી કરાઈ છે. વરસાદ પછી માખી-મચ્છરોના
વધી ગયેલા ઉપદ્રવના કારણે રોગચાળાનો ખતરો ઊભો થયો છે. હાલના સમયે ભરાયેલાં
પાણીમાં એબેટ સહિતની કામગીરી થઈ શકે તેમ નથી, જેના પગલે બળેલું
ઓઇલ નાખીને મચ્છરોના પોરા નાશ કરવામાં આવી રહ્યા છે. કાર્ગો ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં વ્યાપક પાણી
ભર્યાં છે. અમુક જગ્યાએ તો બાંધકામ થઈ રહ્યાં છે, ત્યાં તળાવ
જેવી સ્થિતિ છે, ખુલ્લા મેદાનમાં જળ ભરાવ છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિના કારણે મેલેરિયા
સહિતના રોગચાળાનો ખતરો છે. તો બીજી તરફ ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં વ્યવસ્થિત
સફાઈના અભાવે ગંદકી ફેલાયેલી છે. કચરાના ઢગ ખડકાયેલા છે. સફાઈ થતી નથી. ગટર ચેમ્બરોમાંથી
દૂષિત પાણી ઊભરાઈને માર્ગો ઉપર આવી રહ્યાં છે, આ બધી સમસ્યાઓના
કારણે સ્થિતિ ખરાબ થતી જાય છે, તેમ છતાં તાકીદે કામગીરી કરવામાં
આવતી નથી. પરિણામે ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતનો રોગચાળો માથું ઊંચકી
રહ્યો છે. ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર વરસાદી પાણી, સફાઈને અભાવે
ફેલાયેલી ગંદકી, ગટર સમસ્યા સહિતની બાબતો ઉપર સમીક્ષા કરીને પગલાં
ભરે તેવી માંગ શહેરના પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે. - મેલેરિયા
વિભાગમાં માત્ર 12 કર્મચારી : તત્કાલીન સમયની નગરપાલિકાના મેલેરિયા વિભાગમાં 11 સુપરવાઇઝર અને 33 વર્કર સહિત 44 કર્મચારીનો સ્ટાફ હતો. તેમના
દ્વારા જોડિયા શહેરોમાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવતી હતી. સમાયંતરે કર્મચારીઓ
નિવૃત્ત થતા ગયા અને ખાલી જગ્યાઓ ભરવામાં ન આવતાં હાલના સમયે માત્ર 12 કર્મચારી છે. ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરોનો 29 કિલોમીટરનો
વિસ્તાર છે. ગ્રામીણ સહિત મહાનગરપાલિકાનો કુલ 110 કિલોમીટરનો વિસ્તાર છે, તે વચ્ચે માત્ર આરોગ્યલક્ષી કામગીરી માટે 12 કર્મચારી છે. કેવી રીતે કામગીરી
થશે, તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે, તેવામાં કર્મચારીઓની ભરતી બાબત સરકાર સુધી લઈ જવામાં આવે તે જરૂરી છે.