ગાંધીધામ, તા. 6 : વાગડ પંથકમાં મુંબઇગરાઓના ખોટા
આધારો ઊભા કરી તે આધારે તેમની કિંમતી જમીનો બારોબાર વેચી દેવાનાં કૌભાંડના આરોપીને
એલ.સી.બી.એ મુંબઇથી પકડી પાડયો હતો. મુંબઇમાં રહેતા અને લોકોની જમીનો પોતાના વતન વાગડ
પંથકમાં આવેલી છે, અમુકમાં વાવેતર
માટે ખેડૂતો રખાયા છે તો અમુકમાં નથી. આવી કોઇ ગતિવિધિ ન થતી હોય તેવી જમીનો એક ટોળકી
શોધતી હતી અને બાદમાં મુંબઇ રહેતા એક શખ્સને તેની જાણ કરી જમીનની વિગતો એકઠી કરાતી,
બાદમાં તેના સાચા માલિકના ખોટા આધારકાર્ડ વગેરે દસ્તાવેજ ઊભા કરી તેમાં
અન્ય કોઇના ફોટા ચોંટાડવામાં આવતા હતા અને બાદમાં ગ્રાહક શોધીને આ જમીન બારોબાર સાચા
માલિકની જાણ બહાર ખરીદનારાને વેચી મારતા હતા. વાગડ પંથકમાં આવા ઘણા બનાવો બન્યા છે.
આવી ટોળકી બાદમાં સાચા માલિકને જાણ થાય તો સમાધાનકારી વલણ અપનાવી તેમની પાસેથી તગડી
રકમ મેળવી લેતી હતી. આવા અમુક બનાવો તો પોલીસ ચોપડે ચડયા જ ન હોવાનું જાણકાર સૂત્રોએ
જણાવ્યું હતું. દરમ્યાન, આવી જ રીતે લાકડિયા પોલીસ મથકે મુંબઇના
મૂળ સામખિયાળીના પરેશ દામજી ગડા અને તેની ટોળકી સામે બે ગુના નોંધાયા હતા. છેલ્લાં
એકાદ વર્ષથી આ શખ્સ પોલીસના હાથમાં આવતો ન હતો. દરમ્યાન, એલ.સી.બી.ની
એક ટીમ મુંબઇ દોડી ગઇ હતી અને આ શખ્સને પકડી પાડયો હતો.