• સોમવાર, 07 જુલાઈ, 2025

ચેક પરત ફરવાના કેસમાં માંડવીના આરોપીને એક વર્ષની કેદની સજા

ભુજ, તા. 6 : મિત્રતાના સંબંધે ધંધાર્થે અપાયેલા રૂા. 72,000ની રકમનો ચેક બેંકમાંથી પરત ફરવાના કેસમાં આરોપી વિકી વિજય ધાયાણી (રહે. જબલેશ્વર કોલોની, લાઈટ હાઉસ પાછળ, માંડવી)ને અદાલતે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને એક માસમાં ચેકની રકમનું વળતર ચૂકવી આપવા આદેશ કર્યો છે. આ અંગે ફરિયાદી કનૈયા કરમશી ગઢવી પાસેથી આરોપી વિકીએ મિત્રતાના નાતે ધંધાર્થે લીધેલી રકમના બદલે ચેક આપ્યો હતો, જે પરત ફરતાં મામલો માંડવી કોર્ટમાં પહોંચ્યો હતો. અદાલતે પુરાવા અને દલીલોના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને વળતરની રકમ એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતે. જો આરોપી વળતરની રકમ એક માસની અંદર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એલ.એસ. રાગ હાજર રહ્યા હતા. - વીમા કંપનીની ભુજના એડવોકેટ સામેની અપીલ રદ : ભુજના પ્રતિષ્ઠિત વકીલ અને માજી ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બહાદૂરસિંહ એસ. જાડેજા વર્ષ-2001માં પોતાની હોન્ડા સિટી કારથી વડોદરાથી ભુજ આવી રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત થતાં ભારે નુકસાન થયું અને કાર ટોટલ લોસ એટલે કે વપરાશલાયક રહી નહીં અને તે સિદ્ધાંત પ્રમાણે કારની વીમા પોલિસી મુજબની પૂરતી રકમ વીમા કંપનીએ આપવાના બદલે જે-તે સમયે ઓછી ક્લેઈમની રકમ મંજૂર કરતાં ઓફર થયેલી રકમ વાંધા સાથે સ્વીકારી હતી અને બાકી રહેતી તફાવતની વળતરની રકમ અપાવવા તેમણે ભુજની દીવાની કોર્ટમાં દાવો દાખલ કર્યો તે દાવા કામે કોર્ટ દ્વારા વધારાની રકમ રૂપિયા 2,23,007ની રકમ તા. 19/12/2011થી નવ ટકા વ્યાજ અને દાવા ખર્ચ સાથે ચૂકવવા હુકમ કર્યો, તે ચુકાદાને ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરાઈ, જેની સુનાવણી તાજેતરમાં હાઈકોર્ટ સમક્ષ નીકળતાં હાઈકોર્ટ દ્વારા વીમા કંપનીની અપીલ ગુણદોષ ઉપર મંજૂર થવાપાત્ર ન હોવાનું ઠરાવી અપીલ નામંજૂર કરી અને દીવાની કોર્ટનો ચુકાદો તથા હુકમનામું કાયમ રાખ્યાં હતાં. બહાદૂરસિંહના એડવોકેટ તરીકે ભુજ કોર્ટ સમક્ષ ભુજના એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર હાજર રહ્યા હતા, ત્યારે હાઈકોર્ટ મધ્યે એડવોકેટ તરીકે ધૈર્યવાન ડી. ભટ્ટ રહ્યા હતા. - કસ્ટમ ડયુટી ચોરીના કેસમાં જામીન મંજૂર : ચાઈનાથી મુંદરા પોર્ટમાં આયાત કરેલા માલમાં કોમ્પ્યુટરના વિવિધ પાર્ટસ બતાવી મીસ ડિક્લેરેશન કરી અંદર ટી.વી.ના પાર્ટસ મગાવી અંદાજિત રૂા. 22.42 કરોડની કસ્ટમ ડયુટી ચોરીના ગુનામાં આયાતકાર મયંક રાકેશ જૈન (રહે. દિલ્હી)ની અટક બાદ ભુજની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં આરોપી મયંકના જામીન મંજૂર થયા હતા. આરોપી પક્ષે ધારાશાત્રી કે.પી. ગઢવી, એમ.એમ. દવે, ભાવિકા ભાનુશાલી, પ્રિયા આહીર, વિપુલ ભાનુશાલી હાજર રહ્યા હતા. 

Panchang

dd