અંજાર, તા. 6 : સરહદ ડેરી અને અમૂલ ફેડરેશનના
સહિયારા પ્રયત્નોથી કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની નમક ઉત્પાદક અને વેચાણ સહકારી
મંડળીનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના
હસ્તે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલને અર્પણ કરવામાં આવ્યું હતું. આ આયામથી જિલ્લામાં
નમક સાથે જોડાયેલા અગરિયા પરિવારની હવે આર્થિક અને સામાજિક સ્થિતિનો સુધાર આવશે અને
અગરિયા પરિવાર માટે આ ગર્વની વાત છે. આ સાથે ગૃહ અને સહકારિતા મંત્રીએ સરહદી ડેરીના ચેરમેનને કચ્છ જિલ્લામાં નમકની સહકારી
મંડળી શરૂઆત કરવા બદલ પીઠ થાબળી હતી. આ સાથે અમૂલ મોડલથી દૂધ સાથે હવે નમકનું પણ સંપાદન
કરવામાં આવશે, જેથી કચ્છના અગરિયાઓ માટે
લાભદાયક છે. અમૂલ ડેરી-આણંદ ખાતે સહકાર મંત્રાલયના `ચોથા સ્થાપના દિવસ' પ્રસંગે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સમારોહનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલ જીસીએમએમએફના વાઈસ ચેરમેન તથા સરહદ ડેરીના
ચેરમેન વલમજીભાઈ હુંબલ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ
શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીનું વલમજીભાઈ હુંબલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારત સરકારના સહકાર
મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કૃષ્ણ પાલ, મુરીધર મોહોલ,
ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારના સહકાર અને ઉદ્યોગ વિભાગના જગદીશભાઈ વિશ્વકર્મા, ભારત સરકારના સચિવ ડો. આશિષકુમાર ભુતાની, ગુજરાત વિધાનસભાના
ઉપાધ્યક્ષ જેઠાભાઇ આહીર, જીસીએમએમએફના ચેરમેન શામળાભાઈ પટેલ,
એનડીડીબીના ચેરમેન મિતેષભાઇ શાહ, અમૂલ ફેડરેશનના
એમ.ડી. જયંનભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ આગેવાનો તેમજ પશુપાલક મિત્રો ઉપસ્થિત
રહ્યા હતા.