ગાંધીધામ, તા. 1 : અંજારના કળશ સર્કલ નજીક પગપાળા
જતા ખીરારામ હકમારામ દેવાશી (રબારી) (ઉ.વ.47)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. ગઇકાલે
અબડાસા તાલુકાના લાલા ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજાનાં પગલે કુકડાઉના 45 વર્ષીય યુવાન અમરજિત તારાસિંઘ
સરદારનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ ગાંધીધામના રેલવે મથક નજીકથી અજાણ્યા યુવાનની
લાશ મળી હતી. અંજાર નજીક ઢેબર રબારી સમસાજવાડી ખાતે રસોઇનું કામ કરનાર મૂળ પાલી રાજસ્થાનના ખીરારામ નામના યુવાનને ગત તા. 28/6ના રાત્રે અકસ્માત નડયો હતો.
શાળાઓ ચાલુ થઇ જતાં દીકરાનું ભણતર ન બગડે તે માટે તે પોતાના પત્ની અને દીકરાને બસસ્ટેશન
ખાતે બસમાં બેસાડવા ગયો હતો. બાદમાં ત્યાંથી પરત આવી રહ્યો હતો અને તે કળશ સર્કલ પાસે
પહોંચી ફરિયાદી ખીમારામ પુરાજી દેવાશી (રબારી)ને ફોન કરી હું કળશ સર્કલ પહોંચી આવ્યું
છું, મારું જમવાનું રાખજો તેવો ફોન કર્યો હતો. મોડેક
સુધી આ યુવાન સમાજવાડી ખાતે ન પહોંચતાં તેને
ફરિયાદી અને અન્યો શોધવા નીકળ્યા હતા. દરમ્યાન કૈલાશ બાગની સામે પાવરહાઉસની બાજુમાં
રોડ પાસે તે ઇજાગ્રસ્ત હાલતમાં પડયો હતો, તેને સારવાર અર્થે લઇ
જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલક સામે
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અબડાસાના કુકડાઉમાં રહેતો યુવાન અમરજિત ગઇકાલે
બપોરે તેના કબજાની બાઇકને લઇને લાલા ચોકડી ત્રંબો રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે
તેની બાઇક સ્લીપ થઇ જતાં અમરજિતને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતાં
મધ્ય રાતે 3.45 વાગ્યે તેણે
સારવાર દરમ્યાન દમ તોડી દીધાની વિગતો હોસ્પિટલની પોલીસચોકીમાં જાહેર થઇ હતી. વધુ એક
બનાવ ગાંધીધામના રેલવે મથક નજીક બન્યો હતો. અહીં 35 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. તેનું મોત કુદરતી રીતે
થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ યુવાને ડાર્ક બ્લૂ રંગનો આખી બાંયનો શર્ટ તથા
કાળા રંગનું ટ્રેક પેન્ટ અને પગમાં સ્પોર્ટસ બૂટ પહેર્યા હતા. તેના વાલીવારસોએ રેલવે
પોલીસ મો. નં. 90999 14595 અથવા 63596 29627 ઉપર સંપર્ક કરવા પોલીસે જણાવ્યું
હતું.