• બુધવાર, 10 જૂન, 2026

મીઠીરોહરની કંપનીમાં ભંગારના ઢગલામાં બોમ્બ

ગાંધીધામ, તા. 9 : કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મીઠીરોહર સીમમાં આવેલી એક ખાનગી કંપનીના ભંગારના ઢગલામાંથી બોમ્બ (હેન્ડ ગ્રેનેડ) મળી આવતાં ભારે ચકચાર પ્રસરી છે. બનાવની ગંભીરતા જોઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મીઠીરોહરની સીમમાં પ્લોટ નંબર 327માં આવેલી મિલ સ્કેલ નામની કંપનીમાં આ બનાવ સામે આવ્યો હતો. મિલ સ્કેલ (કાચો લોખંડનો ભુક્કો) બનાવતી આ કંપનીમાં ગઇકાલે સાંજે શ્રમિકો કામ કરી રહ્યા હતા. ભંગારના ઢગલામાં બોમ્બ દરમ્યાન ક્રેપના ઢગલામાંથી શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી. ગોળ લોખંડના બોમ્બ જેવી લાગતી આ વસ્તુ અંગે કંપનીમાં કામ કરતા પ્રકાશ ગોવિંદ રાણાએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઇ પોલીસ તાબડતોબ બનાવ સ્થળે પહોંચી હતી અને કંપનીનાં ગોદામને કોર્ડન કર્યું હતું. સુરક્ષાના પગલાંરૂપે પોલીસે બોમ્બ ડિસ્પોઝિવ સ્કવોડ (બી.ડી.એસ.) અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવી હતી. જીવંત જણાતા આ હેન્ડ ગ્રેનેડને ડિફયુઝ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયો હતો તેમજ ટીમે ક્રેપમાં અન્ય કોઇ જગ્યાએ આવી વિસ્ફોટક વસ્તુ તો નથી ને તેની તપાસ હાથ ધરી હતી. બોમ્બ જેવી લાગતી આ વસ્તુ હેન્ડ ગ્રેનેડ હોવાનું અને તેને ડિફયુઝ કરી દેવાયો હોવાનું પી.આઇ. એસ. વી. ગોજિયાએ જણાવ્યું હતું તેમજ 1960-65ની બનાવટનો આ હેન્ડ ગ્રેનેડ હોવાનું તથા ડિટેકટરથી આખા ગોદામની તપાસ કરાઇ હોવાનું ઉમેર્યું હતું. આ ઔદ્યોગિક વિસ્તારમાં આટલી ગંભીર વસ્તુ આવી ક્યાંથી ? ભંગારની આયાત સાથે આ બોમ્બ આવી ગયો છે ? કયા દેશમાંથી ભંગાર આયાત કરાયો હતો તે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. મીઠીરોહરની સીમમાં અગાઉ પણ ઔદ્યોગિક એકમમાંથી હજારો કિલો ગોળના ફૂટેલા સેલ મળી આવ્યા હતા. વારંવાર આવતી આવી વિસ્ફોટક વસ્તુઓ આ સંકુલ માટે ચિંતાનો વિષય છે. આવામાં જીવંત બોમ્બ ફૂટી જાય અને કોઇના જીવ જાય તો જવાબદારી કોની તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. 

Panchang

dd